પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સ્વ-ગણના કરી; નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા અપીલ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજ્યભરમાં જનગણના-૨૦૨૭ અંતર્ગત ઓનલાઇન સ્વ-ગણના (Self-Enumeration) પ્રક્રિયા શરૂ થઈ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજે ઓનલાઇન પોર્ટલ પર પોતાની સ્વ-ગણના પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને રાજકોટના નાગરિકોને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, "ઓનલાઇન પોર્ટલ પર માહિતી રજીસ્ટર કરવી સહેલી અને ઝડપી છે. નાગરિકોએ થોડો સમય ફાળવી આ ડિજિટલ પ્રક્રિયાનો લાભ લેવો જોઈએ." સાયબર સુરક્ષા અંગે ચેતવણી આપતા તેમણે ઉમેર્યું કે, "સ્વ-ગણનાના બહાને જો કોઈ અજાણી વ્યક્તિ ફોન કરીને ઓ.ટી.પી. (OTP) માંગે તો ક્યારેય આપવો નહીં, અન્યથા આપ સાયબર છેતરપિંડીનો ભોગ બની શકો છો." ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પ્રથમ ચરણમાં ઘરયાદી અને મકાન ગણતરી માટે sc.census.gov.in પોર્ટલ શરૂ કરાયું છે.
આ 'સ્વ-ગણના' પ્રક્રિયા આગામી ૩૧ મે સુધી ચાલુ રહેશે, જેમાં નાગરિકો મોબાઈલ કે કમ્પ્યુટરથી વિગતો ભરી શકે છે.ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ થતાં ૧૧ અંકનો વિશિષ્ટ કોડ મળશે. ૧લી જૂનથી જ્યારે ગણતરી કરવા અધિકારીઓ ઘરે આવશે, ત્યારે નાગરિકોએ માત્ર આ કોડ આપવાનો રહેશે, જેથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે.