પોલીસ ભરતીની જગ્યાઓ માટે 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા
17 ઓગસ્ટે બપોરે બે વાગ્યાથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ કેડરની કુલ ૯૫૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા મુજબ PSI (વાયરલેસ)ની ૧૭૨, ટેકનિકલ ઓપરેટરની ૬૯૮, PSI (મોટર ટ્રાન્સપોર્ટ)ની ૩૫ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર (ગ્રેડ-૧)ની ૪૫ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.આ ભરતી અંગેની લેખિત પરીક્ષા ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. ઉમેદવારો ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના બપોરે ૨ વાગ્યાથી OJASની વેબસાઈટ પરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે. PSI (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર (ગ્રેડ-૧) બંને ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે બોર્ડે મહત્વની વ્યવસ્થા કરી છે.
આવા ઉમેદવારો બંને પરીક્ષા એક જ પરીક્ષા કેન્દ્ર (શાળા) ખાતે આપી શકે તે રીતે આયોજન કરવામાં આવશે. બંને જાહેરાતો હેઠળ ઓનલાઈન અરજીમાં એકસર્જીની વિગતો ધરાવતા ઉમેદવારોની યાદી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉમેદવારો પોતાનું નામ યાદીમાં છે કે નહીં તે ચકાસી શકે છે. જો કોઈ ઉમેદવારે બંને જાહેરાત માટે ઓનલાઈન અરજી કરી હોય, પરંતુ તેનું નામ આ યાદીમાં સામેલ ન હોય, તો તેણે ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના સાંજે ૫ વાગ્યા સુધી ગાંધીનગર, સેક્ટર-૯, સરિતા ઉદ્યાનની નજીક આવેલા બંગલા નં. G-૧૨ ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરીમાં અરજીની નકલ સાથે લેખિત રજૂઆત કરવી પડશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નક્કી કરેલી તારીખ અને સમય બાદ અથવા અન્ય કોઈ જગ્યામાંથી મળેલી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં.