Loading Please Wait !!!
પેટ્રોલ-ડીઝલનો 40% સ્ટોક સાવચેતી રાખો : જરૂર વગરનો ઉપયોગ ટાળો

સિટી ન્યૂઝ@રાજકોટ

ભારત સરકાર દ્વારા રાજકોટમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેના લોકાર્પણ પ્રસંગે લોકસભાના સાંસદ પરષોત્તમ રૂપાલાએ પોતાના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું હતું. આ દરમિયાન રૂપાલાએ પેટ્રોલ અને ડીઝલની અછત અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું, તેમણે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો 40 % જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. જેથી લોકોને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. રાજકોટ શહેરમાં પ્રથમ આધાર સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેના લોકાર્પણ પ્રસંગે લોકસભાના સાંસદ પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ કરાવી પોતાના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું હતું. આ પ્રસંગે પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આધાર સંબંધીત લોકોના કોઈ પ્રશ્નો હોય તો તે ઘર આંગણે જ મળી રહે તે માટે આધાર સેવા કેન્દ્રનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ નાગરિકોના રોજબરોજના કામકાજમાં ઉપયોગમાં આવતું થઈ ગયું છે. આધારકાર્ડ નવું બનાવવા તેમજ અન્ય કોઈ અપગ્રેડેશન કરવા માટેના પ્રશ્નો હલ થઈ શકે તે માટે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ પ્રકારનું ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ આધારકાર્ડ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓને વિનંતી કરું છું કે લોકોના પ્રશ્નોને સમજી તેને ઉકેલવામાં મદદરૂપ થાય.

આવતીકાલની ચિંતામાં આજે લાઈનો ન લગાવીએ: રૂપાલા

પેટ્રોલ અને ડીઝલની અછત અંગે તેમણે જણાવ્યું કે, ગઈકાલે એક એવો કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો કે, બહારથી આવેલા મુસાફરો ડીઝલ ન મળતા અટકી પડ્યા હતા. સ્થાનિક તંત્રએ તેમની મદદ કરીને જવાની સુવિધા કરી આપી હતી. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે રાજકોટમાં માત્ર 40 ટકા જ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. માટે નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે વર્તમાન પરિસ્થિતિમાં આવતીકાલે શું થશે તેવા ભયને કારણે લોકો અકળામણથી લાઈનો લગાવવામાં ન જોડાઈએ. પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેનો સંયમપૂર્વક ઉપયોગ કરીએ તેવી એક નમ્ર અપીલ છે.