પશુપાલકો માટે ખુશખબર! સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
=> 1 જૂનથી અમલી બનતા નવા ભાવથી 900ના બદલે 920 રૂપિયા ચૂકવાશે
સિટી ન્યૂઝ@ભાવનગર
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સર્વોત્તમ ડેરી) દ્વારા સંવર્ધન વર્ષ નિમિત્તે દૂધ ઉત્પાદકોને મોટી આર્થિક ભેટ આપવામાં આવી છે. ચેરમેન મહેન્દ્ર પનોતના અધ્યક્ષસ્થાને ૨૩ મે ૨૦૨૬ ના રોજ મળેલી નિયામક મંડળની મિટિંગમાં દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફૅટે ૨૦ રૂપિયાનો તોતિંગ વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ સર્વોત્તમ ડેરી સમગ્ર ગુજરાતમાં દૂધના સૌથી વધુ ખરીદભાવ આપતી ડેરી બની ગઈ છે.
સર્વોત્તમ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર એચ. આર. જોષીના જણાવ્યા મુજબ, હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી છે. ખેતીની આવક પણ બંધ હોવાથી અને મોંઘવારીના ભરડા વચ્ચે પશુપાલકોને આર્થિક રાહત મળે તેવા શુભ આશયથી આ નિર્ણય લેવાયો છે. હાલ કિલો ફૅટે ૯૦૦ રૂપિયા ચૂકવાઈ રહ્યા છે, જેમાં ૨૦ રૂપિયાનો વધારો કરી ૧ જૂન ૨૦૨૬ થી ૯૨૦ રૂપિયા ચૂકવવામાં આવશે.
આ રેકોર્ડબ્રેક ભાવવધારાથી જૂન મહિનાથી જિલ્લાના દૂધ ઉત્પાદકોને માસિક ૫ કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ મળશે, જેનાથી તેમનો પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બનશે. નોંધનીય છે કે, જૂન ૨૦૨૫ માં દૂધનો ખરીદભાવ ૮૫૦ રૂપિયા હતો, જે હવે જૂન ૨૦૨૬ માં વધીને ૯૨૦ રૂપિયા થયો છે. એટલે કે માત્ર એક જ વર્ષમાં કિલો ફૅટે ૭૦ રૂપિયાનો માતબર વધારો પશુપાલકોને આપવામાં આવ્યો છે. ચેરમેન મહેન્દ્ર પનોતના કરકસરયુક્ત વહીવટના કારણે આ શક્ય બનતા પશુપાલકોમાં ભારે આનંદની લાગણી પ્રસરી છે.