Loading Please Wait !!!
મહાપાલિકા ચોમાસું આવે ત્યારે જાગે, બાકી નિંદર માણે !

>> ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાટર્સ તોડાશે

>> વર્ષોથી જર્જરિત 792 કવાટર્સને વીજ પાણીના જોડાણો કાપવા નોટિસ

>> જર્જરિત છે ખાલી કરો પણ રહેવાની વ્યવસ્થા તો ગોઠવી આપો

>> જરાક વિચારો આ પરિવાર ક્યાં જશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ઓચિંતી જાગેલી કુંભકર્ણી નિદ્રા અને પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર નોટિસો ફાડવાની નીતિને કારણે વોર્ડ નંબર ૧૦ના સેંકડો પરિવારો પર અત્યારે ચોમાસાના ટાણે જ બેઘર થવાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે ૭૯૨ જેટલા ક્વાર્ટર્સ વર્ષોથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં પડ્યા છે. પરંતુ તંત્રએ વર્ષો સુધી આ અંગે કોઈ કાયમી ઉકેલ લાવવાની તસ્દી લીધી નથી. હવે જ્યારે ચોમાસાની ઋતુ માથા પર આવીને ઊભી છે, ત્યારે અચાનક જાગી ગયેલા કોર્પોરેશનના અધિકારીઓએ રહીશોને સીધી પાણી અને વીજળીના જોડાણો કાપી નાખવાની નોટિસ ફટકારી છે. એટલું જ નહીં ચોમાસામાં જ લોકોને બેઘર કરવા માટે મક્કમ અધિકારીઓની આ કામગીરી નિયમ મુજબ કરાઈ હોવાનું જણાવી મેયર ડો. નેહલ શુક્લએ લુલો બચાવ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે ૭૯૨ જેટલા ક્વાર્ટર્સ વર્ષોથી જર્જરિત છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ મનપા તંત્રએ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટનો હવાલો આપીને આ આખી ઈમારતને રહેવા માટે અયોગ્ય અને જોખમી ગણાવી છે. સવાલ એ ઊભો થાય છે કે જો આ રિપોર્ટ આટલો જ ગંભીર હતો, તો તંત્ર આખું વર્ષ કેમ ઊંઘતું રહ્યું? ચોમાસાની વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં જ્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આશરાની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ તેમને પાણી અને વીજળી વિના ટળવળતા કરીને ઘરમાંથી કાઢી મૂકવાની આ કામગીરી કેટલી યોગ્ય છે. સ્થળ પર માત્ર ભયજનક મિલકતના બોર્ડ મારી દેવાથી કોર્પોરેશનની જવાબદારી પૂરી થઈ જતી નથી.

સ્થાનિકોમાં પણ સરમુખત્યારશાહી જેવા તંત્રના આ વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં આવી રીતે કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માનવાનું કામ કરે છે. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ પણ આ સમગ્ર મામલે તંત્રના બચાવમાં ઉતરી આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ નોટિસ આપવી એ માત્ર એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. આ મિલકતો ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની હોવા છતાં પણ તે શહેરની હદમાં આવતી હોવાથી નોટિસ આપવાની સત્તા - જવાબદારી મનપા પાસે છે. જોકે રિપેર થયેલા મકાનોની ચકાસણી નહીં કરવા અંગે તેમણે વહીવટી તંત્ર પાસેથી વિગતો મગાવવાનું આશ્વાસન તો આપ્યું છે, પરંતુ ચોમાસાના પ્રારંભે જ તંત્રની આ માનવતાહીન કામગીરીને કારણે અનેક પરિવારોના જીવ અધ્ધર થઈ ગયા છે.