Loading Please Wait !!!
ખેડૂતે શેઢા પાડોશીની ધમકીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું


=> ખેતરમાંથી પાણીનો નીકાલ કરતો નહી, નહીંતર ટાટીયા ભાંગી નાખીશુ કહી ધમકાવતા 

=> મરવા મજબુર કરનાર ચાર સામે મૃતકના ભાઈની સુલતાનપુર પોલીસમાં ફરિયાદ 

સિટી ન્યૂઝ@રાજકોટ

ગોંડલ તાલુકાના ધૂળશિયા ગામમાં રહેતા ખેડૂતે સેઢા પડોશીના ત્રાસથી કંટાળી વિડીયો બનાવી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે ખેતરમાંથી પાણી નિકાલના પ્રશ્ને સેઢા પડોશી અને કૌટુંબિક ભાઈઓએ ખેડૂતને માર મારવાની ધમકી આપી હોવાથી આપઘાત કરી લેતા મૃતકના ભાઈએ આ અંગે સુલતાનપુર પોલીસમાં ચાર શખ્સો સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.ગોંડલના ધૂળશિયા ગામે રહેતાં લાલજીભાઇ વલ્લભભાઇ ભુવા ઉ.42એ આ જ ગામના સુરેશ ઉર્ફે બાલા કાનજી ભુવા, હરેશ કાનજી ભુવા, કાનજી માધા ભુવા અને સાગર સુરેશ ભુવા સામે સુલતાનપુર પોલીસ મથકમાં મરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. પાંચ બહેન અને બે ભાઈઓ છે. જેમા ભાઇઓમા મોટા મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ વલ્લભભાઇ ભુવા છે.

મોટા ભાઇ મહેન્દ્રભાઈના પત્ની પારુલબેન અને સંતાનમા એક દીકરી અને એક દીકરો છે ફરીયાદીના ભાઈની ખેતીની જમીનની નીચેના ભાગે  સુરેશ ભુવાની ખેતીની જમીન આવેલ છે જે કુટુંબી ભાઈઓ થાય છે ફરીયાદીનાં ભાઈની ખેતીની જમીનમાથી પાણીનો નિકાલ આરોપીના ખેતરમાથી થઇને જતો હોય જેથી આરોપી તથા તેના પિતા સહિતના મોટાભાઈને અવારનાવર ધમકીઓ આપતા હતા કે, અમારા ખેતરમાંથી પાણીનો નીકાલ કરતો નહી, નહીંતર તારા ટાટીયા ભાંગી નાખીશુ અને ખેતરમાં આવવા જેવો નહી રહેવા દઈએ, જેથી ભાઈ ડરી ગયેલ અને પરીવાર જનોને આ વાત કરી હતી દોઢ બે મહીના પહેલા ભાઈને ખેતરના પાણીના નિકાલનો મારગ આ લોકોએ માટી નાખી પાળો બાંધી બુરી દીધો હતો. ભાઈએ પાણી નિકાલ કરવા ગોંડલ મામલતદાર સમક્ષ અરજી કરી હતી. ત્યાર બાદ આ લોકો જ્યારે હોય ત્યારે ભાઈને ખેતરે ધમકાવતા હતા અને ટાંટીયા ભાગી નાખવાની ધમકીઓ આપતા હતા દરમિયાન ગઈકાલે બપોરે પોતે વાડીએ હતાં ત્યારે ભાઇની દીકરી બંસીએ ફોન કરી કહેલ કે, મારા પપ્પાએ ઘરે ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા  ખાઇ લીધા છે.

જેથી તેઓ તુરંત જ દોડી ગયેલ અને ભાઈને સારવાર અર્થે ગોંડલ લઇ ગયેલ અને ત્યારે ભાઇને દવા પીવા બાબતે પુછતા તેણે આ ચારેય લોકોના ત્રાસથી કંટાડી જઈ દવા પીધી હોવાનુ જણાવ્યુ હતું ત્યાર બાદ ભાઈને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઇ જતા હતા ત્યારે રસ્તામા જ ભાઈએ દમ તોડી દીધો હતો બાદમાં ભાઈનો મૃતદેહ પીએમ અર્થે ગોંડલ સીવીલ હોસ્પિટલમાં લઇ ગયા હતા બનાવ અંગે ચારેય શખ્સો સામે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા દોડધામ શરુ કરી છે.