પડધરી પીઆઈ સામે કસ્ટોડિયલ ટોર્ચરનો આક્ષેપ,આરોપીને જામીન
=> લૂંટ અને હત્યાના પ્રયાસના ખોટા કેસમાં ફસાવ્યાની કોર્ટમાં ધારદાર રજૂઆત : એડવોકેટ સુરેશ ફળદુની દલીલો અને મેડિકલ પુરાવાઓને માન્ય રાખતી રાજકોટ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો
સિટી ન્યૂઝ@રાજકોટ
પડધરીના પીઆઈ ચૌહાણ અને તેમના સ્ટાફ પર ગંભીર ગુનાની બળજબરીપૂર્વક કબૂલાત કરાવવા આરોપી પર કસ્ટોડિયલ વાયોલેશન (ટોર્ચર) કર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. ખોટી રીતે હત્યાની કોશિશ અને લૂંટના કેસમાં ફિટ કરી દેવાના આ સંવેદનશીલ કેસમાં રાજકોટની એડિશનલ સેશન્સ કોર્ટે દસ્તાવેજી પુરાવા અને બચાવ પક્ષની દલીલો માન્ય રાખીને આરોપી યશ મકવાણાને શરતી જામીન પર મુક્ત કરવાનો મહત્વનો હુકમ ફરમાવ્યો છે.
ગત 30 એપ્રિલ 2026 ના રોજ ન્યારા ગામે જૂની અદાવતમાં મારામારી થઈ હતી. જેમાં અરવિંદ વધેરાએ 5 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો સામે જીવલેણ હુમલો અને લૂંટની FIR પડધરી પોલીસમાં નોંધાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપી યશ મકવાણાએ પોતાની નિર્દોષતા સાબિત કરવા અને રેગ્યુલર જામીન મેળવવા રાજકોટ સેશન્સ અદાલતમાં અરજી કરી હતી.
બચાવ પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, ખરેખર ભોગ બનનાર યશ મકવાણા જ હતો. પરંતુ, પોલીસે કસ્ટડીમાં તેને બેરહેમીથી ઢોર માર મારીને ફ્રેક્ચર કરી દીધું હતું, જેનો મેડિકલ રિપોર્ટ રેકર્ડ પર છે. સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસે કાગળ પર આરોપીના હાથમાં છરી દર્શાવી હથિયાર કબજે કર્યાનું તરકટ રચ્યું હતું. પોલીસે ફરિયાદી પક્ષને છાવરીને એકતરફી તપાસ ચલાવી છે. કોર્ટે 'જામીન એ નિયમ અને જેલ અપવાદ' ના સિદ્ધાંતને આધારે તથા કસ્ટોડિયલ ટોર્ચરને ધ્યાને લઈ આરોપીને જામીન આપ્યા છે.
બચાવ પક્ષના વકીલ સુરેશ ફળદુએ ન્યાયાલયમાં જણાવ્યું કે પડધરી પીઆઈનું આ કૃત્ય અમાનવીય અને ફરજભંગ સમાન છે. આ કેસમાં આરોપી યશ મકવાણા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી સહિતની મોટી કાનૂની ટીમ રોકાઈ હતી. કોર્ટે તમામ પક્ષોની રજૂઆતો સાંભળી અને પુરાવાઓ ચકાસીને ઐતિહાસિક નિર્ણય લીધો છે.