‘ઓપરેશન મિલાપ’ ગુજરાત પોલીસે 15 દિવસમાં 701 ગુમ લોકોને શોધ્યા
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગુમ થયેલા લોકોની શોધ માટે શરૂ કરેલા વિશેષ અભિયાન ઓપરેશન મિલાપ હેઠળ માત્ર બે અઠવાડિયામાં જ (૭ મેથી ૨૧ મે દરમિયાન) ૭૦૧ ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું છે. વર્ષોથી પોતાના સ્વજનોની રાહ જોતા પરિવારો માટે આ અભિયાન આશાનું કિરણ બની રહ્યું છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ગુમ થયેલા લોકોની શોધ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે અને પોલીસે તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અભિયાનની સૌથી મોટી સફળતા એ છે કે માત્ર ૧૫ દિવસમાં ૭૦૧ લોકો મળી આવ્યા છે. ગુજરાત પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનમાં વર્ષ ૨૦૦૭થી બાકી રહેલા ગુમ થયેલા કેસોની પુન તપાસ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓની દેખરેખ હેઠળ આ વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૧૫ દિવસમાં પોલીસની સઘન શોધખોળ દરમિયાન મળી આવેલા કુલ ૭૦૧ લોકોમાં સૌથી વધુ સંખ્યા મહિલાઓની છે.