Loading Please Wait !!!
મહારાષ્ટ્ર FDA દ્વારા નવ કરોડનો ખાદ્યજથ્થો જપ્ત!

  • પતંજલિના ગાયના ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો!
  • અગિયાર એકમોના લાયસન્સ રદ અને અનેકની ધરપકડ!
  • ડી-માર્ટ સહિત અનેક વેપારી એકમો પર કાર્યવાહી!

સિટી ન્યુઝ @ મુંબઈ 

તહેવારોની મોસમમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યભરમાં વ્યાપક સ્તરે સપાટો બોલાવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર એફડીએ દ્વારા છત્રપતિ સંભાજીનગરમાં પતંજલિ આયુર્વેદના સુપર ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ આશરે વીસ લાખ રૂપિયાથી વધુનું ગાયનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે.

તપાસ દરમિયાન વિભાગ દ્વારા મુંબઈ, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર વિભાગોમાં નમકીન અને મિઠાઈનું ઉત્પાદન કરતા ઓગણીસ વ્યવસાયોનાં લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

થાણેના ભિવંડીમાં ડી-માર્ટના સુપરમાર્ટ તેમજ સાતારા અને પુણે સહિતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં ખાદ્ય તેલ, કઠોળ અને અન્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરાઈ છે.

આ ઉપરાંત, એફએસએઆઈ અને એફડીએ દ્વારા નિયમોના ભંગ બદલ ટાટા વનએમજી, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યની ગંભીર જવાબદારી

તહેવારોની મોસમમાં બજારમાં મીઠાઈઓ, ઘી અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ અચાનક વધી જતી હોય છે, અને આ જ સમયનો લાભ લઈને કેટલાક અસમાજિક તત્વો કે લેભાગુ વેપારીઓ દ્વારા નકલી કે હીન કક્ષાની ચીજવસ્તુઓનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવતા હોય છે. મહારાષ્ટ્ર એફડીએ જેવા નિયંત્રક તંત્રો દ્વારા લેવામાં આવતા આવા કડક પગલાં માત્ર કાયદાનું પાલન જ નથી કરાવતા, પરંતુ ગ્રાહકોના આરોગ્ય અને સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક સાબિત થાય છે.