NEET રદ મામલે કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર
- 'પરીક્ષા પે ચર્ચા' કરનાર સરકાર પેપર લીક મુદ્દે કેમ મૌન છે?
- વાયરલ સેમ્પલ પેપરમાંથી 140 સવાલો પૂછાયા હોવાનો આક્ષેપ
- વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરનારાઓ સામે કડક સજાની માંગ
સિટી ન્યૂઝ@રાજકોટ
દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાતી NEET 2026 ની પરીક્ષા રદ થવાના મામલે કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના વિદ્યાર્થીઓ વર્ષો સુધી દિવસ-રાત મહેનત કરીને ભવિષ્યના સપનાઓ સેવે છે, પરંતુ સરકારની બેદરકારી અને પરીક્ષા વ્યવસ્થાની ખામીઓના કારણે વારંવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ થઈ રહ્યો છે. રોહિતસિંહે વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, 'પરીક્ષા પે ચર્ચા' કરનાર વડાપ્રધાન વિદ્યાર્થીઓના માનસિક તણાવ, ડિપ્રેશન અને ભવિષ્ય સાથે થઈ રહેલા ખેલ પર મૌન કેમ છે?
રોહિતસિંહ રાજપૂતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, NEET પરીક્ષામાં પેપર લીક થયાની આશંકાઓ હવે વધુ મજબૂત બની રહી છે. પરીક્ષાના 1 મહિના પહેલા સોશિયલ મીડિયામાં એક સેમ્પલ પેપર ખૂબ વાયરલ થયું હતું અને હવે અહેવાલો અનુસાર તે પેપરના અંદાજે 400 સવાલોમાંથી આશરે 140 સવાલો મૂળ NEET પરીક્ષામાં પૂછાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાનો ભાંડો રાજસ્થાનમાંથી ફૂટ્યો હોવાનું કહેવાય છે અને આ કેસમાં અત્યાર સુધી 13 લોકો ઝડપાયા હોવાના અહેવાલોથી દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ઊભો થયો છે.
NTA અને સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયા
રોહિતસિંહે જણાવ્યું હતું કે, NEET જેવી દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષામાં ગોટાળા, પ્રશ્નપત્ર લીક, ટેકનિકલ ખામીઓ અને હવે પરીક્ષા રદ જેવી પરિસ્થિતિઓ સાબિત કરે છે કે કેન્દ્ર સરકાર અને NTA સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓએ કોચિંગ અને અભ્યાસ પાછળ લાખોનો ખર્ચ કર્યો છે, ત્યારે તેમના સમય અને મહેનતનું નુકસાન કોણ ભરી આપશે? ભાજપ સરકાર માત્ર જાહેરાતો અને PR માં વ્યસ્ત છે અને પારદર્શક પરીક્ષા પ્રણાલી ઉભી કરવામાં નિષ્ફળ ગઈ છે.
સરકાર નિવેદનો નહીં, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ન્યાય આપે
રોહિતસિંહ રાજપૂતે ઉગ્ર માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર હવે માત્ર નિવેદનો આપવાને બદલે તાત્કાલિક અસરથી પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકે. પેપર લીક અને ગોટાળામાં સંડોવાયેલા તત્વો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ હેઠળ ઝડપી કાર્યવાહી કરીને કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ ગોટાળાખોર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરવાની હિંમત ન કરે. દેશના યુવાનોનું ભવિષ્ય કોઈ રાજકીય પ્રયોગનો વિષય બની શકે નહીં.