Loading Please Wait !!!
ફૂડ સેફટી એલર્ટ મેગીના પેકેટમાં જીવડાં!

FSSAIએ નેસ્લે, KFC અને ફ્લિપકાર્ટને નોટિસ મોકલી

  • KFCને નોટિસ કેમ તો સ્વચ્છતામાં નબળી ગુણવત્તા

  • ફ્લિપકાર્ટને નોટિસ કેમ તો ખજૂરના એક પેકેટમાં કીડા મળવાની ફરિયાદ

  • નેસ્લેને નોટિસ કેમ મેગીના પેકેટમાં કીડા (લાર્વા) મળવાની ફરિયાદ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણએ સોશિયલ મીડિયા પર આવેલી ફરિયાદો બાદ કાર્યવાહી કરતા નેસ્લે સહિતની ઘણી મોટી કંપનીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે. નેસ્લેને આ નોટિસ તેની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ મેગીના એક પેકેટમાં કીડા (લાર્વા) મળવાની ફરિયાદ બાદ આપવામાં આવી છે. FSSAIએ આ મામલે કંપનીને તાત્કાલિક એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. FSSAIએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અન્ય ફરિયાદો પર પણ કાર્યવાહી કરતા સ્વચ્છતા (સાફ-સફાઈ) સંબંધિત મુદ્દાઓને લઈને ફાસ્ટ-ફૂડ ચેઈન KFCને પણ નોટિસ આપી છે. આ ઉપરાંત, ખજૂરના એક પ્રોડક્ટમાં કીડા મળવાની ફરિયાદ પર ફ્લિપકાર્ટ ઈન્ડિયા અને ઓપન સિક્રેટ કંપનીને પણ રેગ્યુલેટરે જવાબ આપવા જણાવ્યું છે.

નેસ્લેએ સૌ પ્રથમ તે ખાસ બેચ (ગ્રુપ) શોધવો પડશે, જેમાં ગરબડીની ફરિયાદ મળી છે. કંપનીએ જણાવવું પડશે કે આ બેચનો કાચો માલ કયા વિક્રેતા પાસેથી આવ્યો હતો અને પેકેટ ગ્રાહકો સુધી પહોંચતા પહેલા કંપનીની અંદર તેની ગુણવત્તાની જે તપાસ થઈ હતી, તેના સંપૂર્ણ રેકોર્ડ (કાગળિયાં) રજૂ કરવા પડશે.

કંપનીએ સાબિત કરવું પડશે કે ફરિયાદવાળી બેચ અથવા સંભવિત રીતે પ્રભાવિત સ્ટોકને બજાર અને સપ્લાય ચેઈનમાંથી હટાવવા માટે તેણે તાત્કાલિક કયા સુધારાત્મક પગલાં લીધાં છે, જેથી તે ગ્રાહકો સુધી ન પહોંચે. રેગ્યુલેટરે નેસ્લે પાસેથી તે સિસ્ટેમેટિક ફેરફારો અને પગલાંની રૂપરેખા માંગી છે જે કંપની તેની ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયામાં કરવા જઈ રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. મેગી નૂડલ્સ નેસ્લે ઈન્ડિયાના સૌથી મોટા અને વ્યાવસાયિક રીતે અત્યંત મહત્વપૂર્ણ બ્રાન્ડ્સમાંથી એક છે.

  • FSSAIની મોટી કાર્યવાહી
  • ફૂડ પેકેટ્સમાં મેટલ પિન-તારના ઉપયોગ પર પ્રતિબંધ

ખાદ્ય સુરક્ષા નિયમનકાર FSSAI એ ખાદ્ય પદાર્થોના પેકેજિંગ અંગે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે. FSSAI એ દેશભરના તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકોને ખાદ્ય પદાર્થો અને તેમના પેકેજિંગમાં ધાતુની પિન, વાયર અથવા આવી કોઈપણ સામગ્રીનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. FSSAI ના જણાવ્યા મુજબ, તેમના ધ્યાનમાં આવ્યું છે કે ખાદ્ય વ્યવસાય સંચાલકો સુશોભન કેક બનાવવા અને ફૂડ પેકેટ, કેક બોક્સ, મીઠાઈના બોક્સ, નાસ્તાના પાઉચ અને ટેકઅવે ફૂડ પાર્સલ સીલ કરવા માટે ધાતુ અથવા સ્ટેપલર પિન અને વાયરનો ઉપયોગ કરી રહ્યા છે. કેક અને ફૂડ પેકેજોમાં સ્ટેપલર પિન જડેલી અથવા અટવાયેલી મળી આવી હોવાના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. નિયમનકાર જણાવે છે કે આ ખાદ્ય સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે કારણ કે આ પિન આકસ્મિક રીતે ખોરાક સાથે લોકોના પેટમાં જતી રહે છે. જે ઈજા અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.

  • આ નિર્દેશ શેના પર લાગુ થશે?

એડવાઈઝરી મુજબ, આ નિર્દેશ તમામ પ્રકારના ખોરાક અને પેકેજિંગ પર લાગુ પડે છે. આમાં ફૂડ પાર્સલ, ટેકઅવે ભોજન, બેકરી ઉત્પાદનો, કેક બોક્સ, મીઠાઈના બોક્સ અને નાસ્તાના પેકેટનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે કોઈપણ વ્યવસાય કોઈપણ ખાદ્ય વસ્તુને સીલ કરવા, બાંધવા અથવા પેક કરવા માટે મેટલ પિન અથવા વાયરનો ઉપયોગ કરી શકશે નહીં.