જામીન રદની અરજી ફગાવાઈ, સેશન્સ કોર્ટે આરોપીના જામીન યથાવત્ રાખ્યા
- » ફરિયાદીએ પોલીસ અને અદાલતી પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હોવાની દલીલને માન્યતા, રૂ.10 હજાર દંડ સાથે અરજી નામંજૂર
સિટી ન્યૂઝ@રાજકોટ
ગોંડલની સેશન્સ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જામીન પર મુક્ત કરાયેલા આરોપીના જામીન રદ કરવાની ફરિયાદીની અરજી નામંજૂર કરી છે. અદાલતે નોંધ્યું હતું કે જામીન રદ કરવાનું પગલું અત્યંત અસાધારણ સંજોગોમાં જ લેવામાં આવતું હોય છે અને હાલના કેસમાં એવા કોઈ પૂરતા આધારભૂત સંજોગો સામે આવ્યા નથી.
કેસની વિગતો મુજબ રાજકોટ શહેરમાં પોલીસ ભરતી ટ્રેનિંગ ક્લાસ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોને લઈને વિવાદ સર્જાયો હતો. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓએ હુમલો કરી મારામારી, વાહનને નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં વિજય મકવાણા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ગોંડલની સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિયમિત જામીન પર મુક્ત કર્યા હતા.
જામીન મળ્યા બાદ આરોપી વિજય મકવાણાએ જામીનની શરતોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરીને ફરિયાદી પક્ષે તેના જામીન રદ કરવા અદાલતમાં અરજી કરી હતી. અરજીમાં આરોપીએ પોલીસ સ્ટેશનમાં હાજરી ન પુરાવી હોવા તેમજ પ્રતિબંધિત વિસ્તારની હદમાં પ્રવેશ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આરોપી વિજય મકવાણા તરફથી એડવોકેટ સુરેશ ફળદુએ દલીલો રજૂ કરતાં જણાવ્યું હતું કે કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. જામીન મળ્યા બાદ ફરિયાદી કે સાક્ષીઓને ધમકી આપવા અથવા પુરાવા સાથે ચેડાં કરવાના કોઈ નવા ગુના નોંધાયા નથી. ફરિયાદી દ્વારા પોલીસ તંત્ર અને અદાલતી પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે અદાલત સમક્ષ રજૂ કર્યું હતું. બંને પક્ષોની દલીલો, તપાસના દસ્તાવેજો અને પોલીસ રિપોર્ટના અભ્યાસ બાદ અદાલતે નોંધ્યું હતું કે જામીન રદ કરવા માટે જરૂરી એવા ગંભીર અને અસાધારણ સંજોગો આ કેસમાં જોવા મળતા નથી. એક કિલોમીટરની હદમાં પ્રવેશ કરીને સાક્ષીઓને ડરાવ્યા કે ધમકાવ્યાના કોઈ પુરાવા રેકૉર્ડ પર ઉપલબ્ધ નથી.
માત્ર શરતોના આંશિક પાલન અંગેની તકરાર જામીન રદ કરવા માટે પૂરતી ગણાવી શકાય નહીં. અદાલતે વધુમાં જણાવ્યું હતું કે જામીન રદ કરવાનો નિર્ણય વ્યક્તિની સ્વતંત્રતા સાથે સીધો સંબંધ ધરાવે છે અને તેનો ઉપયોગ હળવાશથી કરી શકાય નહીં. જોકે આરોપી દ્વારા કેટલીક હાજરીઓ અંગે યોગ્ય સ્પષ્ટતા ન મળતા અદાલતે રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો અને તે રકમ તાલુકા લીગલ સર્વિસ કમિટીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
આ સાથે જ ફરિયાદી દ્વારા કરવામાં આવેલી જામીન રદ કરવાની અરજી નામંજૂર કરીને આરોપી વિજય મકવાણાના જામીન યથાવત્ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામમાં આરોપી વિજય મકવાણા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, સાવન પરમાર, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાંગરા, ભાવિન ખૂંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ ડોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલ હતા.