હિંમતને સલામ; રાજકોટની મયુરી દવેએ વ્હીલચેરમાં બેસી ટેબલ ટેનિસ રમી ચેમ્પિયન બની
=> "મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનોં મેં જાન હોતી હૈ, પંખોં સે કુછ નહીં હોતા હોસલોં સે ઉડાન હોતી હૈ."
=> શારીરિક મર્યાદા નહીં, મનોબળ જીત્યું : રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
આ પંક્તિને રાજકોટના ૩૮ વર્ષીય દિવ્યાંગ મહિલા ખેલાડી મયુરીબેન દવેએ ચરિતાર્થ કરી બતાવી છે. માત્ર ૨ વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બનેલા મયુરીબેને ૩૫ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને ૩ વર્ષની સફરમાં જ તેમણે રાષ્ટ્રીય સ્તરે ૩ બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં જ આ ખેલાડીએ મધ્યપ્રદેશમાં રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
બાળપણમાં જ્યારે મયુરીબેન અન્ય સામાન્ય બાળકોને દોડતા-રમતા જોતા, ત્યારે તેમના મનમાં એક સવાલ વારંવાર સતાવતો કે "હું કેમ આ લોકોની જેમ ચાલી નથી શકતી ?" પરંતુ મયુરીબેનના પિતા હંમેશા તેમનું પીઠબળ બન્યા. વ્હીલચેરની મર્યાદાઓને માત આપીને મયુરીબેને વિજયયાત્રાનું પ્રથમ સોપાન ગત વર્ષે વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫માં સર કર્યું, જ્યાં તેમણે હિંમત દાખવીને બ્રોન્ઝ ચંદ્રક જીત્યો હતો.આ ઉપરાંત ૨૭ માર્ચ ૨૦૨૫ના રોજ દેશના પાટનગર દિલ્હી ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ૨૦૨૫માં પણ તેમણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત અભય પ્રશાલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી UTT પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬માં તેમણે વધુ એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
વર્તમાન સમયમાં લોકો નાની નાની નિષ્ફળતાઓથી નિરાશ થઈ જાય છે ત્યારે તેમણે મયુરીબેને સંદેશ આપ્યો હતો કે, “જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં. બસ, પ્રયત્નો કરતા રહો. મુશ્કેલીઓ તો આવશે, પણ જો વ્હીલચેર પર બેસીને, પોલિયો સામે લડીને પણ હું આ મુકામ સુધી પહોંચી શકતી હોઉં, તો ઈશ્વરે તમને બધું જ આપ્યું છે, તમે તો ઇચ્છાશક્તિ અને અનુશાસનથી ધારો તે લક્ષ્યાંક પ્રાપ્ત કરી જ શકો છો." સફળ ખેલાડીની પાછળ માર્ગદર્શક અને યોગ્ય સુવિધાઓનો મોટો હાથ હોય છે. મયુરીબેનની પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે. રાજકોટમાં ટેબલ ટેનિસ કોચ આકાશ મુલચંદાની છેલ્લા બે વર્ષથી એસ.એ.જી. (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત) ના મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે ફરજ બજાવે છે અને તેઓ જ મયુરીબેનને તાલીમ આપી રહ્યા છે.
આકાશભાઈએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખુલ્લા મુકવામાં આવેલા આ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને ચેસ સહિતની અનેક રમતોની તાલીમ આપવામાં આવે છે. આ સેન્ટર દિવ્યાંગ ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. અહીં મયુરીબેન સહિત અન્ય ૬ પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓ પણ રમત ગમતના ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રહ્યા છે. રાજકોટમાં ઘર આંગણે જ આવી વૈશ્વિક સ્તરની સ્પોર્ટ્સ એકેડમી ઉપલબ્ધ છે, ત્યારે સ્થાનિક રમતવીરોએ તેનો અપયશ લાભ લેવો જોઈએ. રાષ્ટ્રીય ફલક પર ચમકનારા આ દિવ્યાંગ ખેલાડીએ સાબિત કરી બતાવ્યું છે કે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, અવિરત પ્રયત્નો અને અૂટૂટ આત્મવિશ્વાસથી દરેક લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા વૈશ્વિક સ્તરની રમતગમત સવલતો અને મયુરીબેન જેવા પ્રતિભાવાન ખેલાડીઓના સમન્વય થકી આજે રાજ્ય રમતજગત ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે.