Loading Please Wait !!!
ગોવિંદપરા મનરેગા કૌભાંડ: મૃતકોના નામે ખોટી હાજરીથી ઉચાપત

=> વેરાવળના ગોવિંદપરા ગામે 2012 થી 2016 દરમિયાન સરકારી યોજનામાં વ્યાપક ગેરરીતિનો પર્દાફાશ
=> તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ સામે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં TDO ની સત્તાવાર ફરિયાદ
=> પાકિસ્તાનમાં રહેતા લોકો અને મૃતકોના નામે 71684 રૂપિયાનું સરકારી ભંડોળ ઓળવી ગયા
સિટી ન્યૂઝ@વેરાવળ
વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા) માં આચરવામાં આવેલા વર્ષો જૂના કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે. સરકારી નાણાંની ઉચાપત મામલે વેરાવળ તાલુકા પંચાયતના TDO રાજેશ ટીલાવતની લેખિત ફરિયાદને આધારે પ્રભાસ પાટણ પોલીસે ગોવિંદપરા ગામના તત્કાલીન સરપંચ ગની નુર સુમરા અને ઉપસરપંચ ઈસા ઈબ્રાહિમ ચૌહાણ સામે ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ ના ૪ વર્ષના સમયગાળા દરમિયાન ગોવિંદપરા ગામમાં મનરેગા યોજનાના અમલીકરણમાં વ્યવસ્થિત રીતે વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હતી. તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, જેઓ વિદેશમાં (ખાસ કરીને પાકિસ્તાનમાં) વસવાટ કરે છે, અને જેઓ અન્ય સ્થળે નોકરી કરે છે, તેમના નામે ખોટા જોબકાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા. ક્યારેય કામના સ્થળે હાજર ન રહેલા આ લોકોના નામે હાજરી રજીસ્ટરમાં ખોટી રીતે હાજરી દર્શાવીને યોજનાનું ભંડોળ ઉપાડી લેવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં હાજરી રજીસ્ટરમાં ખોટી ઓળખ આપીને મસ્ટર રોલમાં નાણાં જમા કરાવી સરકારી તિજોરીને કુલ ૭૧૬૮૪ રૂપિયાનું સીધું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર કાવતરામાં અને ગેરરીતિમાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચની સીધી સંડોવણી અને મિલીભગત હોવાનું ખાતાકીય તપાસમાં સ્પષ્ટપણે બહાર આવતા, TDO દ્વારા પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સરકારી યોજનાઓમાં પારદર્શિતા જાળવવાની વાતો વચ્ચે ગ્રામ્ય સ્તરે પકડાયેલા આ કૌભાંડે વિકાસ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રભાસ પાટણ પોલીસે ફરિયાદના આધારે બંને પૂર્વ પદાધિકારીઓ વિરુદ્ધ કલમ ૪૦૬ (વિશ્વાસઘાત), ૪૦૯ (સરકારી નોકર દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત), ૪૨૦ (છેતરપિંડી), ૪૬૮, ૪૭૧ (ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ) અને ૧૧૪ (ગુનામાં મદદગારી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા મનરેગા યોજનાના તમામ સંબંધિત દસ્તાવેજો, બેંક ખાતાના નાણાકીય વ્યવહારો અને બોગસ હાજરી રજીસ્ટરો કબજે કરી તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.