ભયંકર મંદી; બોણી માટે તરસ્યા વેપારીઓ !: સોની બજાર ખાલીખમ, વેપાર ઠપ્પ 70% કારીગરો ગયા વતન !
=> સોનું ન ખરીદવાની મોદીની અપીલથી શો–રૂમના માલિકો, સેલ્સમેનો નવરાધૂપ થઈ ગયા
=> No Workers, No Business ! સોની બજાર પર સંકટના વાદળો
=> મોટા શો–રૂમ પણ ખાલી, સ્ટાફનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ
સિટી ન્યૂઝ@રાજકોટ
ઈરાન યુદ્ધના કારણે સોના-ચાંદીના ભાવો ભડકે બળી રહ્યા છે અને તેને કારણે શહેરની સોનીબજારમાં મંદી પ્રવર્તી રહી છે. રાજકોટની સોનીબજારમાં વેપારીઓને બોણીના પણ ફાંફા પડી રહ્યા છે અને સોનાના દાગીના બનાવનાર બંગાળના કારીગરોએ વતનની વાટ પકડી છે. જો આવીને આવી સ્થિતિ રહેશે તો કેટલીય દુકાનોના શટરો પડી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું કે રાજકોટ સોનીબજારમાં અંદાજે નાની-મોટી ૧૦ થી ૧૨ હજાર જેટલી દુકાનો આવેલી છે અને પેલેસ રોડ, સોનીબજાર, યુનિ. રોડ અને મવડી રોડ જેવા વિસ્તારમાં આશરે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા સોના-ચાંદીના દાગીનાના શોરૂમો આવેલા છે પણ હાલ ભાવની ઉથલ-પાથલ અને બાદમાં સોનાના દાગીના નહીં ખરીદવાની અપીલના પગલે આ શો-રૂમના માલિકો, સેલ્સમેનો નવરાધૂપ થઈ ગયા છે,
મોટા-મોટા શો-રૂમ ધરાવનાર માલિકોને સ્ટાફ તથા અન્ય ખર્ચાઓ કાઢવા માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે અને સમય જતા વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવા સંકેતો મળી રહ્યા છે. સોનીબજાર ઉપરાંત શો-રૂમોમાં પણ મોટી ખરીદીની લાંબા સમયથી બ્રેક લાગી ગઈ છે. રાજકોટમાં સોનાના દાગીના બનાવનાર મોટાભાગના બંગાળના કારીગરો કાર્યરત હતા અને તેની સંખ્યા અંદાજે ૧ થી ૧.૫૦ લાખ જેટલી હતી.
તેમાંથી ૭૦ ટકા કારીગરો રાજકોટ છોડી વતન બંગાળ પરત ફરી ગયા છે. કેમકે દાગીનાનું કામ હાલ ૭૦ ટકાથી વધુ ઘટી ગયું છે એટલે કારીગરોને કામ પૂરતા પ્રમાણમાં મળતું નથી. તેથી તેઓને ખર્ચ, ભાડા વિગેરે કાઢવા માટે અત્યંત કઠિન થયું છે. આવી સ્થિતિમાં રાજકોટમાં રહેવું પરવડી શકે તેમ નથી. આથી વતન રવાના થઈ ગયા છે.