અમરેલી વિસ્તારમાં સિંહનો આતંક લોકોમાં દહેશતનો માહોલ
- અમરેલીના જૂનાસાવર ગામની ઘટના
- 4 દિવસથી ગુમ ખેડૂતના હાડકાં મળતા હાહાકાર
- દિપડો–કે સિંહ હૂમલો કરી તેમને ફાડી ખાધાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે
સીટી ન્યૂઝ@અમરેલી
અમરેલી જિલ્લામાં ફરી એકવાર માનવ અને વન્યજીવ સંઘર્ષની અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ વ્યાપી ગયો છે. સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામની સીમમાં છેલ્લા ૮ દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા એક સ્થાનિક ખેડૂતના જ ખેતરમાંથી લોહીલુહાણ કપડાં, માનવ હાડકાના ટુકડા અને ખેડૂતનો મોબાઈલ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના સ્થળેથી મૃતદેહને ઢસડ્યો હોવાના ઘસડાવાના નિશાનો પણ મળી આવ્યા છે, જેના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ સિંહ અથવા દીપડા જેવા કોઈ હિંસક વન્યપ્રાણીએ ખેડૂત પર હુમલો કરીને તેમને ફાડી ખાધા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
જુનાસાવર ગામના વતની દિલીપભાઈ વાવજીભાઈ દેસાઈ નામના ખેડૂત ગત આઠ દિવસથી પોતાના ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગુમ થયા હતા. પરિવારજનો અને સ્નેહીઓ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ આજે તેમના જ ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં વસ્તુઓ મળી આવતા મામલો બિચક્યો હતો. સીમમાં દિલીપભાઈનું ટ્રેક્ટર બિનવારસી હાલતમાં ઊભું હતું અને તેની આસપાસથી લોહીથી ખરડાયેલા કપડાં, બૂટ–ચપ્પલ, ઘડિયાળ તેમજ શરીરના કેટલાક હાડકાના અવશેષો મળી આવ્યા હતા.
- અમરેલીના કેવાયા ગામની હૃદયદ્રાવક ઘટના
- સિંહે યુવક પર હૂમલો કરી માથું ધડથી અલગ કર્યું
- સિંહણ આખું શરીર ખાઈ ગઈ; પાંસળીના ટુકડા મળ્યા
ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે. મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથોરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટેલ–રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટેલથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ઝાંપ લગાવીને બેઠેલી સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો.