Loading Please Wait !!!
ખોખડદળ પુલ પાસેથી 7.82 લાખના અફીણ સાથે એક શખ્સની ધરપકડ

=> કાર સહીત 9.42 લાખનો મુદામાલ કબજે : વાંકાનેરના શખ્સની શોધખોળ 


સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં માદક પદાર્થો વેચતા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે બે દિવસ પૂર્વે ભક્તિનગર પોલીસે ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધા બાદ એસઓજીએ આજે ખોખડદળ પુલ પાસેથી સણોસરાના શખ્સને 7.82 લાખના દોઢ કિલો અફિણના જથ્થા સાથે પકડી લઈ કાર સહીત 9.42 લાખનો મુદામાલ કબજે કરી વાંકાનેરના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી સદંતર નાબૂદ કરવાની સૂચના અન્વયે એસઓજી પીઆઈ એન. બી. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વી વી ધ્રાંગુ સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે હુડકો ચોકડીથી ખોખડદળ નદીના પુલ તરફ જતાં સર્વિસ રોડ પરથી એક શખ્સ કારમાં માદક પદાર્થ અફીણ લઈને પસાર થવાનો છે આ બાતમી આધારે સ્ટાફે વોહ ગોઠવી શંકાસ્પદ કાર અટકાવી જડતી લેતા તેમાંથી 7.82 લાખનો 1.565 કિગ્રા અફિણનો જથ્થો મળી આવતાં સણોસરાના ઈન્દુ જીવાભાઈ ભુંડીયાની ધરપકડ કરી અફીણ, કાર, ફોન સહીત 9.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવિંગ કરે છે.

તે આ અફિણનો જથ્થો વાંકાનેરના ઘનશ્યામ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની અને ઘણાં સમયથી છૂટક 1000ની પડીકી બનાવી વેચાણ કરી ધંધો કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ વાંકાનેરના શખ્સની શોધખોળ હાથ ધરી છે.