કણકોટમાં પીવાના પાણીની સમસ્યા હલ, નવી લાઇનનું લોકાર્પણ કરાયું
=> જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ રાજા ચાવડાની રૂડા સમક્ષ રજૂઆત રંગ લાવી
સિટી ન્યૂઝ@રાજકોટ
કણકોટ સોસાયટી વિસ્તારમાં લાંબા સમયથી સતાવી રહેતી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે. ૨૦ મેના રોજ સવારે ૯.૩૦ કલાકે મારુતિનગર, સ્વામિનારાયણ પાર્ક, નિર્માણનગર અને અરિહંતનગર જેવા વિસ્તારોના રહીશો માટે નર્મદા લાઇનમાંથી પૂરા પાડવામાં આવેલા નવા જળ નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી સેંકડો પરિવારોને ઘરે-ઘરે નળ કનેક્શનની સુવિધા મળી છે. આ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત અંગે સોસાયટીના પ્રમુખો અને સ્થાનિક આગેવાનોએ રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-૩ ના સભ્ય પ્રતિનિધિ રાજા ચાવડા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રાજા ચાવડાએ અંગત રસ દાખવીને આ મુદ્દો તાત્કાલિક રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) સુધી પહોંચાડ્યો હતો. તેમની સતત મહેનત અને ફોલોઅપને કારણે રૂડા દ્વારા નર્મદા લાઇનમાંથી પાણીનું નવું નેટવર્ક ઊભું કરી તમામ વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
આ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ થતાં સ્થાનિક રહીશોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન આ યોજનાનો લાભ અપાવવા બદલ વિસ્તારવાસીઓ દ્વારા સાંસદ પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય ભાનુ બાબરીયા, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રભારી ભરત આર્ય, જિલ્લા ભાજપા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા અને હરેશ હેરભાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજા ચાવડા, તાલુકા ભાજપા પ્રમુખ કેયુર ઢોલરીયા, તાલુકા પંચાયતના સભ્ય પ્રતિનિધિ જીતુ દાફડા, પૂર્વ સભ્ય પ્રતિનિધિ વિક્રમ હુંબલ, કિસાન મોરચાના ઉપપ્રમુખ પદુભા ચુડાસમા, સરપંચ હસુ વેકરીયા, પરેશ વ્યાસ અને લાલજી વિરાણીનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે સોસાયટીના સભ્યો કિરીટ ચાંપા, કિશોર સોલંકી, હસુ વાઘેલા, ભરત વરણ, બાબુ, જયેશ પરમાર, દિપક રાઠોડ, વિજય પરમાર, મેહુલ આસુરામ મારવાડી અને ગાંડુ સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.