જંગલેશ્વરમાંથી પોણા બે કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ
=> 96 હજારનો મુદ્દામાલ કબજે : અગાઉ પણ આ શખ્સની 5 ગુનામાં હતી સંડોવણી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસે જંગલેશ્વર વિસ્તારમાં બાતમી આધારે દરોડો પાડી ૮૬,૭૫૦ના પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલો આરોપી અગાઉ મારામારી સહિતના ગુનામાં સંડોવાઈ ચૂક્યો છે તેમજ બે વખત પાસાની હવા પણ ખાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ જયદીપસિંહ પરમાર, પીએસઆઈ જે જે ગોહિલ, એએસઆઈ નિલેશભાઈ મકવાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના પ્રકાશભાઈ મકવાણા અને યુવરાજસિંહ જાદવને મળેલી બાતમી આધારે જંગલેશ્વર શેરી નં.૩૧માં રહેતા ઇમ્તીયાઝ ઉર્ફે ઇતુડો ભીખુભાઈ ઉર્ફે મહેબૂબભાઈ પઠાણના મકાનમાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી ૮૬,૭૫૦ રૂપિયાનો ૧.૭૩૫ કી.ગ્રા. ગાંજાનો જથ્થો મળી આવતા તેને ઝડપી લઈ ગાંજા અને ફોન સહિત ૯૬,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઇમ્તીયાઝ અગાઉ ચોરી, મારામારી સહિતના ૫ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તે દારૂ અને મારામારીના બે ગુનામાં ૨૦૨૦ અને ૨૦૨૨માં પાસા હેઠળ જેલયાત્રા પણ કરી ચૂક્યો છે. હાલ ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોની પાસેથી તે અંગે વધુ જાણવા તપાસ આજે ડેમ પીઆઈ એચ એન પટેલને સોંપવામાં આવી છે.