Loading Please Wait !!!
જામનગરમાં ‘સ્વાદની રાણી 2026’ સ્પર્ધા: જેતપુરના નેહા ગેરીયા વિજેતા

» સમગ્ર ગુજરાતમાંથી 200 થી વધુ ઉત્સાહી મહિલાઓએ રસોઈ કળાના જાદુ પાથર્યા

» નારી શક્તિ અને રસોઈ કળાને પ્રોત્સાહન આપવા ૨ તબક્કામાં યોજાઈ લાઈવ સ્પર્ધા

સિટી ન્યૂઝ@જામનગર

રસોઈ એ માત્ર અન્ન રાંધવાની ક્રિયા નથી, એ તો સ્ત્રી દ્વારા પરિવારને પીરસાયેલી લાગણીની મીઠાસ છે. નારી શક્તિ અને સ્વાદના અનોખા સંગમ સમાન “સ્વાદની રાણી ૨૦૨૬” ઓપન ગુજરાત સ્પર્ધા તાજેતરમાં જામનગરમાં આયોજિત કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં સ્વાદિષ્ટ વ્યંજનો અને રસોઈ કળાના અદ્ભુત પ્રદર્શન સાથે સમગ્ર ગુજરાતમાંથી ખંભાળિયા, દ્વારકા, ભુજ, સુરત, વડોદરા, જેતપુર અને રાજકોટ સહિત જામનગરની ૨૦૦ જેટલા ઉત્સાહી મહિલાઓએ ભાગ લીધો હતો અને પોતાના રસોઈ કળાના જાદુથી નિર્ણાયકો તથા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

ગૃહિણીઓને ૧ મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત આ સ્પર્ધા ૨ તબક્કામાં રાખવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં સ્પર્ધકોએ બટાકા અથવા કાચા કેળાનો ઉપયોગ કરી ઘરેથી વાનગી બનાવી લાવવાની હતી. આમાંથી ટોપ-૧૦ સ્પર્ધકોની પસંદગી કરી તેમને વિશેષ ગિફ્ટ, સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરાયા હતા. ત્યારબાદ ટોપ-૫ સ્પર્ધકોને બીજા તબક્કામાં લાઈવ કુકિંગ કોમ્પિટિશનનો લ્હાવો મળ્યો હતો. જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી જેતપુરથી આવેલા નેહા ગેરીયાએ ‘સ્વાદની રાણી ૨૦૨૬’ નો તાજ જીતી લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ વિશેષ અને પૂર્વ કોર્પોરેટર કિમ્પલ રાવલ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમણે સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. હેતલ વજાણી દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા દરમિયાન તમામ સ્પર્ધકોએ લાઈવ ૨ રેસીપી વર્કશોપ પણ માણ્યા હતા.

માત્ર સ્પર્ધા નહીં, સ્વાદ અને સંસ્કૃતિનો ઉત્સવ હતો

આ કાર્યક્રમ માત્ર ૧ સ્પર્ધા ન રહેતા સ્વાદ અને સંસ્કૃતિનો મોટો ઉત્સવ બની રહ્યો હતો. જેના મુખ્ય આયોજકો ભાવિકાબા જાડેજા, દ્રિષ્ટિ કમાણી, ચાર્મી સોની અને નિધિદા કવિ હતા. તેમને સહયોગી તરીકે મેઘના સોની, ફાતેમા પથારી, દેવિકા ઠક્કર તથા ખ્યાતિ કુંડલીયાનો સાથ સહકાર મળ્યો હતો. આયોજકોએ તમામ “સ્વાદની રાણીઓ” નો વિશેષ આભાર માનતા જણાવ્યું હતું કે, રસોડાના ધુમાડામાં પણ જે હસતી રહે છે, તેણે જ આખા ઘરની ભૂખને સ્વાદિષ્ટ બનાવી દીધી છે.