Loading Please Wait !!!
યુદ્ધને લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના 13 ગુજરાતી પ્રવાસીઓ, વતન પરત ફરવા સરકાર પાસે માગી મદદ

Gujarati Tourists Stranded in Dubai: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે વિદેશ પ્રવાસે ગયેલા ભારતીયોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને દુબઈ અને અબુ ધાબી ફરવા ગયેલા અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા 13 જેટલા ગુજરાતના એક જ પરિવારના લોકો હાલ ત્યાં ફસાયેલા છે. અબુ ધાબી પર થયેલા મિસાઈલ હુમલા અને ત્યારબાદ ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરોની હાલત કફોડી બની છે. જેમાં સિનિયર સિટીઝનોની દવાઓ અને ખાવા-પીવાની સામગ્રી ખૂટી પડતા તેઓ ભારે આર્થિક અને શારીરિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હોટલ સંચાલકો દ્વારા વધારાના નાણાંની માંગ અને મોંઘા વિમાની ભાડાને કારણે લાચાર બનેલા આ પરિવારો હવે ભારત સરકાર પાસે સુરક્ષિત વતન વાપસી માટે આશા છે.

મુસાફરો પાસે પૈસા, રહેવા-જમવાની સહિતની તકલીફ ઊભી થઈ

મહત્ત્વનું છે કે, આ લોકો 25મી ફેબ્રુઆરીના રોજ દુબઈ ફરવા માટે ગયા હતા અને ત્યાંથી બે-ત્રણ દિવસ રોકાયા બાદ અબુધાબી ગયા હતા. અબુ ધાબીમાં તેને ફ્લાઈટો કેન્સલ થવાના સમાચાર મળતા તેઓ તુરંત દુબઈ પરત ફર્યાં હતા. જોકે, તેમની ભારત જવાની નિર્ધારિત ફ્લાઈટ્સ અને ત્યારબાદ કરાવેલી બીજી ટિકિટો પણ કેન્સલ થઈ ગઈ છે, જેના કારણે તેઓ હાલ દુબઈમાં ફસાયેલા છે. હાલમાં આ મુસાફરો પાસે પૈસા, રહેવા-જમવાની સગવડ અને પીવાના પાણીની પણ ભારે તકલીફ ઊભી થઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ લોકોમાં ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ પણ સામેલ છે જેમની જરૂરી દવાઓ હવે ખૂટી ગઈ છે. આ પરિસ્થિતિમાં તેઓ ભારત પરત જવા માટે મદદની પોકાર કરી રહ્યા છે કારણ કે તેમની પાસે હવે ખર્ચ કરવા માટે પણ પૈસા બાકી રહ્યા નથી.

દુબઈમાં ફસાયેલા પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, 'અમે 25 તારીખે 13-14 લોકોના ગ્રુપ સાથે દુબઈ ફરવા આવ્યા હતા, જેમાં 8 સિનિયર સિટીઝન અને 2 બાળકો પણ હતા. 28મી તારીખે જ્યારે અમે અબુ ધાબીમાં પાર્લામેન્ટ જોવા ગયા હતા, ત્યારે ઈરાને હુમલો કર્યો. ત્યાંના લોકો તો શાંત હતા અને અમને ગભરાવા ના પાડતા હતા, પણ ભારતથી ચિંતામાં ફોન આવવા લાગ્યા એટલે અમે પેનિક થઈ ગયા હતા. અમે મિસાઈલ ફૂટવાનો અવાજ પણ સાંભળ્યો હતો. ત્યાંની ડિફેન્સ સિસ્ટમ એટલી ઝડપી હતી કે મિસાઈલોને હવામાં જ તોડી પાડી, જોકે, તેનો કચરો નીચે પડવાથી લોકોને નુકસાન થયું હતું. અમે સુરક્ષિત રીતે ગાડી દ્વારા પાછા દુબઈ આવી ગયા, પણ અમારા ફોનમાં ઍલર્ટ વાગતા હતા કે સુરક્ષિત રીતે તમારા રૂમમાં જતા રહો.