Loading Please Wait !!!
સ્કૂલ શરૂ, પુસ્તકો ગૂમ !

  • 25 દિવસ સુધી વિદ્યાર્થીઓને પુસ્તકો નહીં મળે ! પુસ્તકો આવતા હજુ 25 દિવસનો સમય લાગશે
  • ગુજરાતનું શિક્ષણ તંત્ર ફેલ; સ્કૂલોમાં 'બુકલેસ' ભણતરનો આરંભ !

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ પાઠ્યપુસ્તકોની ભારે અછત સર્જાઈ છે. આ ગંભીર મુદ્દે ગાંધીનગરથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના કાર્યકારી પ્રમુખનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે પુસ્તકોની અછત પાછળ વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ અને કોર્ટ મેટર તેમજ પ્રિન્ટિંગમાં થયેલા વિલંબને મુખ્ય કારણ ગણાવ્યું છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું છે કે આગામી ૩૦ જૂન સુધીમાં રાજ્યના તમામ બાળકો સુધી પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવામાં આવશે.

મંડળના જણાવ્યા અનુસાર, ધોરણ ૧ થી ૮ ના પુસ્તકો વિતરણ સેન્ટરો પર પહોંચી ગયા છે અને ગુજરાતી માધ્યમનું ૧૦૦% પ્રિન્ટિંગ કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત, ખાનગી શાળાઓ માટે ધોરણ ૧૦ અને ૧૨ ના પુસ્તકો પણ મોકલી દેવાયા છે. પરંતુ, સરકારી શાળાઓમાં હજુ ધોરણ ૧૦ અને ૧૨ ના પુસ્તકો પહોંચાડવાના બાકી છે.

હાલ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે પ્રિન્ટિંગની કામગીરી પૂર્ણજોશમાં ચાલી રહી છે, જેના માટે ૫૭ જેટલા પ્રિન્ટિંગ પ્રેસમાં બે શિફ્ટમાં દિવસ-રાત કામ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સુધી શાળાઓમાં ભૌતિક પુસ્તકો ન પહોંચે, ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકશે. આ માટે તમામ પાઠ્યપુસ્તકોને ડિજિટલ સ્વરૂપે (PDF) મંડળની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે, જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે.