ગુજરાતમાં 7 સિસ્ટમ સક્રિય 7 દિવસ વરસાદની આગાહી
- માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
- સિટી ન્યૂઝ @ અમદાવાદ
છેલા ૨૪ કલાકમાં રાજ્યના ૧૩૧ તાલુકાઓમાં સૌથી વધુ તાપીના ડોલવણ અને નવસારીના ખેરગામમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના ૧થી ૧૦ વાગ્યા સુધીમાં ૫૬ તાલુકામાં સૌથી વધુ સુરતના બારડોલીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. સિઝનના કુલ વરસાદની સ્થિતિ જોતાં, ગુજરાત પ્રદેશમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ૧૬% વધુ, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૫% ઓછો વરસાદ નોંધાયો છે. એકંદરે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સામાન્યમાં ૫૦૫.૭ મિમી સામે ૫૦૬.૫ મિમી વરસાદ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં હાલ ૫ હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી ૭ દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સક્રિય પાંચ હવામાન સિસ્ટમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર એરિયા સર્જાયું છે. ઉપરાંત શિયર ઝોન, દક્ષિણ-પશ્ચિમી પવનો અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ બન્યો છે. આગામી ૨૨ ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલા અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગાજવીજ તથા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે.
દરિયાકાંઠે પવનની ઝડપ ૪૫થી ૫૫ કિમી/કલાક (ઝાટકા સાથે ૩૦ નોટ્સ) સુધી પહોંચવાની શક્યતા હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા કડક ચેતવણી આપવામાં આવી છે.