ગુજરાતની ભરતીઓમાં ‘જિનેટિક ચમત્કાર’ કે સેટિંગ ?
- મહા કૌભાંડ એક જ પિતાના બે જુડવા પુત્રો !
- મોટો ભાઈ OBC અને નાનો ભાઈ ST બની સરકારી નોકરી મેળવી ?
- ! એક જ પરિવારના સભ્યોને અલગ જાતિ પ્રમાણપત્ર કેવી રીતે ?
- વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના એક જ પરિવારના બે સગા ભાઈઓએ જુદી-જુદી અનામત કેટેગરીનો લાભ મેળવી સરકારી નોકરીઓ મેળવી ? વસુંધરા ગામ, વાંકાનેર તાલુકો
- ST અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવી અમદાવાદ મહાપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે પસંદગીનો આક્ષેપ અમદાવાદ મહાપાલિકા
- OBC કેટેગરીનો પુત્ર મહેસુદ વિભાગમાં રેવન્યુ તલાટી મોરબી
સિટી ન્યૂઝ@રાજકોટ
વિજ્ઞાન અને કુદરતના નિયમો પણ ટૂંકા પડે અને કાયદાના લીરેલીરા ઊડી જાય તેવી અદભુત જાદુગરી ગુજરાતના વહીવટી તંત્રમાં જોવા મળી રહી છે. જાતિ લોહીથી નક્કી થાય છે કે લોભથી? તેવો સણસણતો સવાલ અત્યારે ગુજરાતના શિક્ષિત અને દિવસ-રાત મહેનત કરતા યુવાનો પૂછી રહ્યા છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના એક જ પરિવારના બે સગા ભાઈઓએ જુદી-જુદી અનામત કેટેગરીનો લાભ મેળવીને સરકારી નોકરીઓ એકે કરી હોવાનો સજ્જડ દસ્તાવેજી પુરાવા સાથેનો પર્દાફાશ થયો છે. બે ભાઈઓ, બે અલગ કેટેગરી: કઈ રીતે? મળતી માહિતી અને સત્તાવાર દસ્તાવેજો અનુસાર, મોજે વસુંધરાના રેવાભાઈ હમીરભાઈ સરસૈયાના બે પુત્રો સરકારી રેકોર્ડ પર અલગ-અલગ જાતિ ધરાવે છે.
મોટો ભાઈ હરેશ રેવાભાઈ સરસૈયા વર્ષ ૨૦૧૫-૧૬ની ભરતીમાં SEBC (OBC) કેટેગરી હેઠળ મહેસૂલ વિભાગમાં રેવન્યુ તલાટી તરીકે પસંદગી પામ્યા (હાલ મોરબી ખાતે ફરજ પર). નાનો ભાઈ નવઘણ રેવાભાઈ સરસૈયા આ ભાઈ સીધા જ ST (અનુસૂચિત જનજાતિ - આદિવાસી) કેટેગરીનું પ્રમાણપત્ર મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં જુનિયર ક્લાર્ક (જાહેરાત ક્રમાંક:- ૨૦/૨૦૨૩-૨૪) તરીકે સિલેક્ટ થઈ ગયા! નથી આ પરિવાર ઉમરગામથી અંબાજી પટ્ટીનો કે નથી ગીર, બરડો કે આલેચ વિસ્તારનો, છતાં નાનો ભાઈ કાગળ ઉપર 'આદિવાસી' બની ગયો. શું આ કોઈ નવો જિનેટિક ચમત્કાર છે કે પછી જે ભરતીમાં જે કેટેગરીનું મેરિટ નીચું અટકે, તે કેટેગરીનું બોગસ સર્ટિફિકેટ સેટ કરી લેવાનું સુનિયોજિત કૌભાંડ?
૧૫ વીઘા જમીન અને ઘરમાં તલાટીનો પગાર, છતાં મનરેગામાં 'મજૂર'! મામલતદાર કચેરીની ડિજિટલ સાઈનવાળો વસુંધરા ગામનો ગામ નમૂનો ૮-અ (ખાતા નંબર: ૪૮) આ સમગ્ર મામલામાં કૌભાંડનો સૌથી મોટો પુરાવો છે. આ દસ્તાવેજ મુજબ આ પરિવાર પાસે ૪ સર્વે નંબરો મળીને કુલ ૫-૯૯-૭૧ હેક્ટર એટલે કે આશરે ૧૪ થી ૧૫ વીઘા ખેતીલાયક સંયુક્ત જમીન છે, જે કાયદાની નજરમાં તેમને 'મોટા ખેડૂત' બનાવે છે. હિન્દુ વારસાઈ ધારા મુજબ બંને ભાઈઓ આ જમીનના સંયુક્ત વારસદાર છે અને પિતા એક જ છે, જેથી બંનેની જાતિ અલગ હોઈ જ ન શકે. ઘરમાં વર્ષ ૨૦૧૫થી એક ભાઈ ક્લાસ-૩ રેવન્યુ તલાટી તરીકે સરકારી પગાર મેળવે છે અને ૧૫ વીઘા જમીન છે, છતાં આ પરિવારે ગરીબ શ્રમિક બનીને વસુંધરા ગ્રામ પંચાયતમાં વ્યક્તિગત જમીન પર મનરેગા (MGNREGA) ના કામોના લાભો લેવા અરજીઓ કરી! આશ્ચર્યની વાત એ છે કે મનરેગાના ફોર્મમાં પણ નાનો ભાઈ નવઘણ પોતાની જાતિ ST દર્શાવે છે અને બાકીના ભાઈઓ OBC દર્શાવે છે!
સરકારી તિજોરીમાંથી નાણાં પડાવવા આ આખું તરકટ રચાયું હોવાના આક્ષેપો છે. આ મામલો માત્ર નોકરી પૂરતો સીમિત નથી. આ કૌભાંડ કેટલું પૂર્વયોજિત હતું તેનો પુરાવો એ છે કે ફેબ્રુઆરી ૨૦૨૧માં નવઘણ રેવાભાઈ સરસૈયાએ આ જ બોગસ ST પ્રમાણપત્રના આધારે વાંકાનેર તાલુકા પંચાયતની ૧-અરણીટીંબા બેઠક (જે અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી) પરથી ચૂંટણી પણ લડી હતી.