Loading Please Wait !!!
ગુજરાતમાં હત્યાનો તાંડવ : કાયદા વ્યવસ્થાની પોલ ખૂલી !

=> ગુનેગારો બેફામ, ખાખીનો ખોફ ગાયબ!

=>  એક જ દિવસમાં ૭ હત્યાઓથી પોલીસની કામગીરી પર સવાલ

સિટી ન્યૂઝ@રાજકોટ

શાંત ગણાતા ગુજરાતમાં જાણે અસામાજિક તત્વો અને ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ‘ગુજરાત મોડલ’ અને ‘સલામત ગુજરાત’ના દાવાઓ વચ્ચે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. ગુનેગારોમાં પોલીસ કે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી, જેના પુરાવારૂપે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયેલી એકસાથે ૭ જેટલી કરપીણ હત્યાની ઘટનાઓએ વહીવટીતંત્ર અને ગૃહવિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સરાજહેર ફાયરિંગથી લઈને ઘરમાં ઘૂસીને હત્યા કરવા સુધીની ઘટનાઓ સાબિત કરે છે કે ગુજરાતમાં હવે સામાન્ય નાગરિકની સુરક્ષા રામભરોસે છે. શું રાજ્યમાં જંગલરાજ પ્રવર્તી રહ્યું છે? તેવો સવાલ આમ જનતા પૂછી રહી છે.

માત્ર થોડા જ કલાકોમાં અને દિવસોના અંતરાલમાં બનેલી આ સિરિયલ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુનેગારોને હવે ખાખી વર્દી કે કાયદાની આંટીઘૂંટીની કોઈ જ રંજ કે ખોફ રહ્યો નથી. ગુનાખોરીનો આલેખ એટલો ઊંચે ગયો છે કે નાની-નાની બાબતોમાં પણ લોકો ધીરજ ગુમાવી રહ્યા છે. અંગત અદાવત હોય, નજીવી રકમની લેતીદેતી હોય કે પછી પારિવારિક ઝઘડા, લોકો હવે પોલીસ કે અદાલતનો આશરો લેવાને બદલે કાયદો પોતાના હાથમાં લઈને સીધા હથિયારો ઉઠાવી રહ્યા છે. સમાજમાં વધતી જતી આ હિંસક વૃત્તિ ખૂબ જ ચિંતાજનક છે.

આ સંજોગોમાં, જો પોલીસતંત્ર માત્ર કાગળ પર જ પોતાની કામગીરી અને આંકડાઓ બતાવશે, અને વાસ્તવિક જમીની સ્તર પર ગુનેગારોને નથવા કરવામાં ઢીલાશ દાખવશે, તો તે સમગ્ર ગુજરાત રાજ્ય માટે ભયજનક સાબિત થશે. ગુનેગારોને છૂટો દોર મળવાથી ભવિષ્યમાં રાજ્યની લાંબા સમયની શાંતિ અને સલામતી માટે આ એક અત્યંત મોટો ખતરો બની રહેશે. સામાન્ય નાગરિકોનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય તે પહેલાં, સરકારે અને પોલીસ વિભાગે જાગવાની જરૂર છે. તાત્કાલિક ધોરણે તમામ કેસોમાં દાખલારૂપ અને કડક કાર્યવાહી કરી, ગુનેગારોમાં કાયદાનો ડર પુનઃસ્થાપિત કરવાની અત્યારે તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેથી ‘સલામત ગુજરાત’ની ઓળખ જળવાઈ રહે.

કાયદો ક્યાં છે? જનતા ડરમાં છે !

=> ગુજરાતમાં વધતા ગુનાઓએ ચિંતા વધારી

=> પોલીસની ગેરહાજરી કે નિષ્ફળતા ? સવાલો અનેક

=> એક જ દિવસે ૭ હત્યા, પ્રજા બની ભયભીત

=> કાયદો-વ્યવસ્થાની દશા પર ઉઠ્યા મોટા પ્રશ્નો

રાજ્યને હચમચાવી દેનારી હત્યાની 7 ઘટનાઓ

=> વેરાવળમાં ફિલ્મી ઢબે સરાજહેર ફાયરિંગ: વેરાવળ જેવા સંવેદનશીલ શહેરમાં કાયદાના લીરેલીરા ઉડાડતી ઘટના બની. ટ્રાન્સપોર્ટના ધંધાની અદાવતમાં કુખ્યાત શખ્સોએ રસ્તા વચ્ચે બોલાચાલી કરી તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણીને માથામાં ગોળી મારી સરાજહેર હત્યા કરી નાખી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે.

=> ખાખડાબેલા (પડધરી) માં વોન્ટેડ આરોપીઓનો ખૂની ખેલ: પોલીસની નિષ્ક્રિયતાનું આ સૌથી મોટું ઉદાહરણ છે, દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ બે આરોપીઓએ, કેસમાં સમાધાન ન કરવાના ખાર રાખીને ફરિયાદી યુવરાજસિંહ જાડેજાને કાર આંતરીને છરીના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધા.

=> ગોંડલમાં ઘરમાં ઘૂસી સૂતેલા યુવકની હત્યા: ગોંડલના ભગવતપરામાં દારૂડિયા પાડોશીએ રાત્રે ઘરમાં ઘૂસીને સૂતેલા નિલેશભાઈ શેખ પર પાઇપ, છરી અને ધોકા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા, એટલું જ નહીં વચ્ચે પડેલી તેમની દીકરી પર પણ હુમલો કર્યો.

=> જસદણના જીવાપરમાં જૂની અદાવતમાં હત્યા: માત્ર જૂની માથાકૂટનો ખાર રાખીને એક નશાખોર શખ્સે ગામના ચોરે જ અરવિંદભાઈ રાઠોડ નામના ખેતમજૂરને રોકી, હથિયાર અને ધોકા વડે એટલો માર માર્યો કે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું.

=> કાંકરેજના અરણીવાડામાં મિત્રતાનું મર્ડર: માત્ર ૩૦ હજાર રૂપિયાની લેતીદેતીમાં મિત્રે જ મિત્ર રાહુલસિંહ સોલંકીની હત્યા કરી નાખી. ગુનો છુપાવવા લાશને બનાસ નદીના પટમાં દાટી દીધી, જોકે પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલ્યો.

=> સાવરકુંડલામાં કૌટુંબિક ઝઘડામાં કરપીણ હત્યા: પૈસાની માંગણીના મુદ્દે સગા સંબંધીઓએ જ રાક્ષસી રૂપ ધારણ કર્યું. ભાભીએ આંખમાં મરચાની ભૂકી છાંટી અને ત્યારબાદ અન્ય શખ્સોએ લોખંડની પાઈપ અને કુહાડીના ઘા ઝીંકી યુવાન હર્ષદભાઈ પરમારની ઘાતકી હત્યા કરી.

=> સાવલી (વડોદરા) માં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા: ૫૦ વર્ષીય મહિલાની ૩૦ વર્ષીય પ્રેમીએ હત્યા કરી લાશ નીલગીરીના ખેતરમાં ફેંકી દીધી. દોઢ મહિના બાદ મળેલા કંકલ પરથી પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કર્યો.