ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે ભાજપના ધરણા: કલાક સુધી સૂત્રોચ્ચાર કર્યા
- કોંગ્રેસે PMના નિવાસ સ્થાન બહાર પ્રદર્શનના વિરોધમાં
- NEETની પરીક્ષા અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પણ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા: પ્રશાંત પટેલે કહ્યું હું દિલ્હી વિરોધમાં ગયો હતો
સિટી ન્યૂઝ@અમદાવાદ
NEET પેપર લીક મુદ્દે PM આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા બાદ કોંગ્રેસ આક્રમક છે. આજે ૨૨ જુલાઈએ વહેલી સવારે ૧૦ વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. જે બાદ રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો ચાર રસ્તા પાસે પહોંચે ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચઢી ગયા હતા. જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચઢવું પડ્યું. તો ધારાસભ્ય અમીત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો. ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં NEETની પરીક્ષા અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ પહોંચ્યા હતા.
પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે મારા દીકરાએ પણ જીવ ગુમાવ્યો છે એટલે હું દિલ્હી વિરોધમાં ગયો હતો આજે અમદાવાદ આવ્યો છું. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર ગઈકાલે કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે બપોરે ૨ વાગ્યે ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં કાર્યકરોને લઈને પહોંચ્યા હતા. તો અમિત ચાવડાએ કાર્યકરો સાથે કાર્યાલયની સીડી પર જ મોરચો સંભાળ્યો હતો. અંદાજિત એક કલાકના સૂત્રોચ્ચાર બાદ ભાજપના નેતાઓ પરત ફર્યા હતા. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે યુદ્ધ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે જેના પગલે શહેર ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ અને જેસીપી, ડીસીપી તેમજ પીઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર ભાજપ કાર્યાલય તરફ આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સેક્ટર ૨ જેસીપી, ટ્રાફિક જેસીપી, ત્રણ ડીસીપી, બે એસીપી, ઝોન એલસીબીની ટીમો, બે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.