20 લાખ લાંચ કેસમાં GST અધિકારીની જામીન નામંજૂર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ફરીયાદી સામે GST કાયદા હેઠળ થયેલ અરજી અને ગેરરીતી બાબતે કોઈ ગંભીર કાર્યવાહી ન કરવા માટે સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમારએ માંગેલા રૂ. 20 લાખની લાંચ કન્સલ્ટન્ટ મારફત મેળવ્યાના કેસમાં 36 કલાકના રીમાન્ડ બાદ રજુ થયેલ રેગ્યુલર જામીન અરજી ખાસ કોર્ટના જજ આઈ.બી. પઠાણએ રદ કરી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા ફરીયાદી સામેની વિવાદીત અરજી અંગે કોઈ કાર્યવાહી ન કરવા કન્સલ્ટન્ટ મારફત મેળવેલ લાંચ દરમ્યાનનો વાર્તાલાપ નિર્ણાયક ગણવામાં આવ્યો છે.
રાજકોટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે CGST ખાતામાં ફરજ બજાવતા મુકેશકુમાર મનબોધકુમારએ ફરીયાદી સામે થયેલ અરજી તથા ગેરરીતીની તપાસ દરમ્યાન કોઈ ગંભીર કાર્યવાહી અને મોટો દંડ ન કરવાના અવેજમાં રૂપિયા 25 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ રકમ GSTમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા કન્સલ્ટન્ટ આકાશ કલોલીયા મારફત 20 લાખ નક્કી કરવામાં આવી હતી. દરમિયાન તા.29 એપ્રિલ, 2026ના રોજ ફરીયાદીના કન્સલ્ટન્ટની ઓફીસે આ રકમ સ્વીકારવા માટે સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમારે સહઆરોપી આકાશ કલોલીયાને મોકલ્યો હતો.
આ રકમ સ્વીકારાઈ જતા ફરીયાદીએ ACBના ઈન્સપેકટર તરફ ઈશારો કરતા કન્સલ્ટન્ટ રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા. આ સમગ્ર ટ્રેપ ફરીયાદી, સુપ્રિટેન્ડન્ટ અને કન્સલ્ટન્ટ આકાશ વચ્ચેના ટેલીફોનીક વાતચીતના રેકોર્ડીંગના આધારે ગોઠવવામાં આવી હતી જે સંપુર્ણ રીતે સફળ રહી હતી.
આ પછી કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાની રેગ્યુલર જામીન અરજી ખાસ અદાલતે રદ કર્યા બાદ સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમારે રેગ્યુલર જામીન અરજી રજુ કરી દલીલો કરી હતી કે આ કેસમાં આરોપીની અટક ટેકનીકલ કારણોસર ગેરકાનુની છે, કારણ કે આરોપી સામેના કેસમાં સજાની જોગવાઈ 7 વર્ષથી ઓછી છે. આ ઉપરાંત આ આરોપીએ ટેલીફોનીક વાર્તાલાપ દરમ્યાન ફરીયાદીને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, કન્સલ્ટન્ટ આકાશને રકમ નકકી કરવાનો કોઈ હકક અધિકાર નથી.
સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, આરોપી સામેનો કેસ ભ્રષ્ટાચાર નિવારણ ધારાની ફકત કલમ-7 હેઠળનો નથી પરંતુ કલમ13 હેઠળનો પણ છે જેમાં સજાની જોગવાઈ 10 વર્ષ છે. આ ઉપરાંત આ આરોપી વતી સાત પાનાના વાર્તાલાપ માંથી ફક્ત એક વાક્ય જુદુ કરીને રજુઆત કરવામાં આવી છે કે કન્સલ્ટન્ટ આકાશને રકમ નકકી કરવાનો અધિકાર નથી. હકીકતે આકાશને રકમ નક્કી કરવાનો હક્ક ન હોવાનું જણાવ્યું છે તે લાંચની રકમ અંગેનો વાર્તાલાપ છે. આ આરોપી વતી દંડની રકમ કન્સલ્ટન્ટ આકાશને નક્કી કરવાનો હકક નથી તેવી રજુઆત વાર્તાલાપના વાકયોને આગળ પાછળ કરીને જણાવવામાં આવે છે. ત્રણેય વ્યકિતઓ વચ્ચે જે વાર્તાલાપ રેકોર્ડ થયો છે તે સમગ્રપણે વાંચતા લાંચની રકમ અંગેનો જ વાર્તાલાપ છે જે સ્પષ્ટપણે જણાઈ આવે છે. 20 લાખની રકમ અંગે જે વાર્તાલાપ થયો તે દંડ અંગે હોય તો આવી રકમ સ્વીકારવા માટે રાત્રીના 8.15 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો ન હોય. સરકાર તરફેની તમામ દલીલોના અંતે ખાસ અદાલતના જજ આઈ.બી.પઠાણએ સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધકુમારની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે.