ગોવા ગુજરાતના જુગારીઓથી ‘હાઉસફુલ’ દુબઈ કરતા ગોવાની એર ટિકિટ મોંઘી
અમદાવાદથી ગોવાનું ભાડું 18000, દુબઈ જવા માટે 13000
- સિટી ન્યૂઝ@અમદાવાદ
જન્માષ્ટમીના તહેવારોની રજાઓમાં જો તમે ફ્લાઈટ દ્વારા ગોવા જવાનું આયોજન કરી રહ્યા હો, તો સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણાથી વધુ ભાડું ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. તહેવારોની મોસમ નજીક આવતાં જ એરલાઈન્સ કંપનીઓએ વિમાની ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. હાલ સ્થિતિ એ છે કે જન્માષ્ટમીની રજાઓમાં અમદાવાદથી ગોવા જવાનું વન-વે એરફેર Rs ૧૮,૦૦૦ ને પાર પહોંચી ગયું છે. જેની સામે અમદાવાદથી દુબઈનું વન-વે એરફેર માત્ર Rs ૧૩,૦૦૦ ની આસપાસ મળી રહ્યું છે!
સામાન્ય દિવસોમાં અમદાવાદથી ગોવા માટેનું વન-વે એરફેર આશરે Rs ૫,૦૦૦ ની આસપાસ હોય છે. પરંતુ ૪ સપ્ટેમ્બર-શુક્રવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી એરફેર રોકેટ ગતિએ વધી રહ્યું છે. જન્માષ્ટમીની રજાઓ જેમ જેમ નજીક આવશે તેમ તેમ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર વધીને Rs ૨૫,૦૦૦ સુધી પહોંચી જાય તેવી પ્રબળ સંભાવના છે. આમ, સ્થાનિક પ્રવાસન કરતાં વિદેશી પ્રવાસનું હવાઈ ભાડું સસ્તું બની જતાં મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
જન્માષ્ટમીના તહેવાર શરૂ થાય તેના ત્રણ-ચાર દિવસ અગાઉથી જ ગુજરાતમાંથી જુગાર રમવાના શોખીનો મોટા પ્રમાણમાં ગોવા તરફ પ્રયાણ કરતા હોય છે. ગોવાના કેસિનોમાં રજાઓ દરમિયાન બે-ત્રણ દિવસ માત્ર જુગાર રમવાના ટાર્ગેટ સાથે પહોંચનારા આ શોખીનોમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ કપલ્સ પણ મોટી સંખ્યામાં સામેલ હોય છે. આ ભારે ધસારાના કારણે જ અમદાવાદ-ગોવા રૂટ પર ફ્લાઇટ ટિકિટોની માગ વધતાં એરફેરપ્રચંડ ઉછાળો જોવા મળી રહ્યો છે.