Loading Please Wait !!!
GJ-5નાં સેન્ડવિચ & પિઝા ખાવાલાયક નથી

=> રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખાનું ચેકિંગ
=> 28 કિલો અખાધ્ય જથ્થાનો નાશ, આઈસ્ક્રીમનાં 7 શંકાસ્પદ નમુના લેવાયા
=> બાળકોની ચોકલેટના ગોડાઉનમાં એક્સપાયરી માલ જપ્ત

સિટી ન્યૂઝ@રાજકોટ

આરોગ્ય વિભાગની ટીમે “ડાયમંડ ચોકલેટ સ્ટોર” નામના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં સમયગાળા પૂર્ણ થયેલ ચોકલેટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનો મળી આવ્યા હતા. આ તમામ માલને તાત્કાલિક અસરથી જપ્ત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત, ગોડાઉનમાં બાળકો માટે વેચાણમાં રાખવામાં આવેલી પેપ્સી સહિતની પીણાની વસ્તુઓનો પણ જથ્થો મળ્યો હતો, જેને લઈને વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આવા એક્સપાયરી અને ગુણવત્તા વિહિન ખાદ્ય પદાર્થો બાળકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેથી જ ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન ન કરનાર વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાલાવડ રોડ પરનાં 'G.J-૫ સેન્ડવિચ & પિઝા'માંથી ૨૮ કિગ્રા એક્સપાયરી ડેટ વીતેલ અખાધ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને ત્યાંથી ચીઝનો નમૂનો લેવાયો છે. ઉપરાંત, રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા ૨૧ ધંધાર્થીઓની તપાસ કરી લાઇસન્સ વગરના ૬ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ મંગલેશ્વર, બાલાજી સેલ્સ, સાગર સરબતવાલા અને અતુલ આઈસ્ક્રીમ જેવી પેઢીઓમાંથી આઈસ્ક્રીમના કુલ ૭ શંકાસ્પદ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળ સાબિત થશે તો વેપારીઓ સામે પગલાં લેવાશે.

રાજકોટમાં ઉનાળાની સિઝનમાં રોગચાળો ન ફેલાય તે માટે ફૂડ વિભાગની ટીમે કાલાવડ રોડ પર આવેલ બીટ & બાઈટ ફૂડ ઝોનમાં ઓચિંતા દરોડા પાડી ખાણીપીણીની પ્રખ્યાત પેઢીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કાલાવડ રોડ પર કટારીયા ચોક પહેલા આવેલ 'G.J-૫ સેન્ડવિચ & પિઝા' નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢીના કિચનમાંથી સંગ્રહ કરેલ સોસ, ચટણી, ફ્રોઝન ફૂડ, પિઝાનું રો-મટીરિયલ, ચિપ્સ, સેન્ડવિચનો મસાલો વગેરે એક્સપાયરી ડેટ વીતેલ અને અત્યંત વાસી મળી આવ્યો હતો. અધિકારીઓએ માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા કુલ ૨૮ કિગ્રા અખાધ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને ત્યાંથી ચીઝ (લૂઝ) નો નમૂનો લીધો હતો.