Loading Please Wait !!!
મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનમાં મોરબીના બે સહિત 7 શખ્સ ઝડપાયા, 4 લાખનો દંડ ફટકારાયો

» નંબર પ્લેટ વગરની થાર પર મંત્રી, મોરબી શહેર ભાજપનું બોર્ડ મળતાં ચર્ચા; દારૂ મળતાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી

સીટી ન્યૂઝ રવિ ખખ્ખર–ગીર સોમનાથ

વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવવાના કૌભાંડનો વન વિભાગે પર્દાફાશ કર્યો છે. ગ્રામજનોની બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોરબીના બે સહિત કુલ ૭ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. વન વિભાગે તમામ સામે કાર્યવાહી કરીને રૂ.૪ લાખનો દંડ ફટકાર્યો છે.વન વિભાગના દરોડા દરમિયાન સ્થળ પરથી નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર કાર અને એક મોપેડ કબજે કરવામાં આવ્યા હતા. થાર કારના આગળના કાચ પર મંત્રી, મોરબી શહેર ભાજપ લખાયેલું બોર્ડ લગાવેલું મળતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાને પગલે વાહનના ઉપયોગ અને તેની માલિકી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. આરએફઓ યોગેશ કાલસરીયાના જણાવ્યા મુજબ મંડોરના અલ્ફાઝ અનવર મલેક દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવામાં આવતું હતું. મોરબીથી આવેલા કેટલાક શખ્સોએ તેની વાડીમાં ભેગા થઈ દારૂ અને ચિકનની પાર્ટી કર્યા બાદ રાત્રે સિંહ દર્શન માટે જંગલ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમે જોઈ તમામ લોકો વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા.તપાસ બાદ વન વિભાગે તમામ આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન થાર કારમાંથી દારૂની બોટલ પણ મળી આવતાં મોરબીના બે શખ્સોને વાહન સાથે પ્રભાસપાટણ પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની વધુ તપાસ ચાલુ છે.