ઈયરફોનથી દર 100માંથી 30 લોકોને બહેરાશનો ખતરો
=> ઈયરફોન બની રહ્યો ખામોશ ખૂની : સાયલેન્ટ એટેક
=> 60 ડેસિબલ અવાજ સુધી સુરક્ષિત 120 ડેસિબલ નૂકશાનકારક
=> ઈયરફોનમાં ફૂલ વોલ્યુમથી લાંબે ગાળે કાયમી બહેરાશ અથવા ઓછું સંભળાય છે
=> ઈયર ફોન ફૂલ વોલ્યુમથી સાંભળતા 30% લોકોને અંશત કે કાયમી બહેરાશ, 20%ને તો કાનમાં ડેમેજની ખબર જ ન પડી
=> રોજનો 8 કલાક ઉપયોગ જોખમી
=> 60 ડેસિબલ સુધી અવાજ કાન માટે યોગ્ય, ઈયર ફોન 80થી 120 ડેસિબલ અવાજ ફેંકે છે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
મોબાઈલ ઈયર ફોન રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. સતત ૭ દિવસ ૮ કલાકથી વધુ સમય ૬૦ ડેસિબલથી વધુ અવાજ કાનમાં ફેંકાય તો અંશત કે સંપૂર્ણ બહેરાશનું જોખમ છે. ઈયર ફોનમાંથી ૮૦થી ૧૨૦ ડેસિબલ અવાજ ફેંકાતો હોય છે.
સોલા સિવિલના ઈએનટી વિભાગના વડા ડો. નીના ભાલોડિયાનું કહેવું છે કે, ૬0 ડેસિબલ સુધીનો અવાજ કમ્ફર્ટ લેવલ ગણાય છે. સોલા સિવિલમાં આવતાં કેસની વાત કરીએ તો દર ૧૦૦માંથી ૩૦ લોકોને એક કે બંને કાને વધતે ઓછે અંશે બહેરાશ આવી છે. નિદાનમાં ખબર પડી કે, આ ૩૦ ટકા લોકો કાનમાં ઈયર ફોન ભરવી ફૂલ વોલ્યુમથી સાંભળતા હતા. ૨૦ ટકા લોકોને તો ખબર પણ નથી હોતી કે, તેમની સાંભળવાની શક્તિ પર અસર થઈ છે.
દરેક અવાજ ધ્વનિ તરંગો કે સ્પંદનો તરીકે શરૂ ! થાય છે, જે કાનની નહેરમાં પ્રવેશી આંતરિક કાનના નાજુક વાળના કોષને અસર કરે છે. ધ્વનિ તરંગોનું વિદ્યુત સંકેતમાં રૂપાંતર થાય છે અને માણસનું મગજ ચોક્કસ ફ્રિક્વન્સીમાં અર્થઘટન કરે છે. જો અવાજ ૮૫ ડેસિબલથી વધુ હોય અને લાંબો સમય સુધી સાંભળવામાં આવે તો બહેરાશનું જોખમ રહે છે.
યુવકે શ્રવણશક્તિ 40% ગુમાવી, પડદાને નુકસાન
રમતી વખતે પણ ૧૫ વર્ષનો કિશોર ઈયર ફોન ભરી ફૂલ વોલ્યુમથી ગીતો સાંભળતો. શરૂઆતમાં માથું દુખવાની સમસ્યા થયેલી એ પછી ઓછું સંભળાતા ઓડિયોલોજી તપાસમાં ખબર પડી કે કાનના પડદાને નુકસાન થયું છે. ૩૦ વર્ષનો યુવક રોજ ઈયર ફોન ભરવી ફિલ્મો જોતો હતો. સતત ઉપયોગને કારણે માથામાં દુઃખાવાની તકલીફ ચાલુ થઈ હતી. કોઈ સામાન્ય અવાજે બોલે તો પણ સંભળાતું ન હતું. અવાજ ક્યાંથી આવે છે તે ખબર પડતી ન હતી. કાન, નાક, ગળાના ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે, સતત મોટા અવાજે સાંભળવાથી બંને કાનની સાંભળવાની શક્તિ ૪૦થી ૫૦ ટકા જતી રહી છે.