નગ્ન હકીકત; નળમાં પાણી નહીં, બેક્ટેરીયા, મનપા જ આપી રહી છે રોગ : દુષિત પાણીકાંડ !
- એક વાર, બે વાર અને ત્રીજી વાર પાણીના નમૂના ફેલ તો પણ તંત્ર કે શાસકોના પેટનું પાણી હલતું નથી
- લોકોના આરોગ્ય ઉપર મોટું સંકટ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં ક્લોરિનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ એક માસ બાદ ફરી વખત અનેક વિસ્તારોમાં બેક્ટેરિયા યુક્ત પાણી વિતરણ કરવામાં આવ્યું છે.
હાલમાં મનપાએ લીધેલા અને ગત માસે લીધેલા ૮૨૧૪ પાણીના નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે. જે પૈકી કેટલાક વિસ્તારોમાં વિતરણ કરાતું પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને વેસ્ટ, ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 3 વોર્ડમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી ૬ સ્થળે બેક્ટેરિયાની હાજરી મળતા પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ તંત્રએ શહેરના ત્રણ ઝોન વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાંથી કુલ ૮૨૧૪ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાંથી લેવાયેલા ૩૨૨૦ બેક્ટેરિયોલોજિકલ નમૂનાઓમાંથી ૩ સ્થળે પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા ૨૨૦૮ નમૂના પૈકી ૨ સ્થળે અને ઈસ્ટ ઝોનના ૧ નમૂના ફેલ ગયા છે. આમ, શહેરના કુલ ૬ જેટલા સ્થળોએ પાઈપલાઈન મારફતે પહોંચતું પાણી પીવાલાયક નહીં હોવાનું સાબિત થયું છે.
જણાવ્યા અનુસાર, ઉનાળા દરમિયાન પાણીની પાઈપલાઈનમાં લીકેજ અથવા ફિલ્ટર પ્લાન્ટમાં ખામી સર્જાવાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. જો ક્લોરિનેશન યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો આ પાણી રોગચાળાનું મુખ્ય કારણ બને છે. રાજકોટ જેવા મહાનગરમાં જ્યાં લાખો લોકો મનપાના પાણી પર નિર્ભર છે, ત્યાં આ પ્રકારની બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે તેમ છે.
હાલમાં જ્યારે ૬ સ્થળે બેક્ટેરિયા મળી આવ્યા છે, ત્યારે તંત્રએ યુદ્ધના ધોરણે જે-તે વિસ્તારોની પાઈપલાઈન ચેક કરવી જોઈએ અને ક્લોરિનનું પ્રમાણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સમગ્ર મામલે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં નમૂના ફેલ ગયા છે ત્યાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.