દીપડાએ હુમલો કરતા 4 વર્ષની બાળકીનું મોત
છોટાઉદેપુરના વાજપર ગામની ઘટના
આંગણામાં રમતી માસૂમ બાળકીને 100 મીટર દૂર ખેંચી ગયો
સિટી ન્યૂઝ@છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા મોટા વાજપર ગામે ગત મોડી સાંજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના ઘડી હતી. ગામમાં રહેતા પોપટ રાઠવાની ૪ વર્ષની માસૂમ પુત્રી ભવ્યા રાત્રે આશરે ૮:૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરના આંગણામાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ સમયે અંધારામાંથી અચાનક ધસી આવેલા એક આદમખોર દીપડાએ ભવ્યા પર ઘાતકી હુમલો કરી દીધો હતો. દીપડો આ માસૂમ બાળકીને પોતાના જડબામાં દબોચીને આશરે ૧૦૦ મીટર દૂર સુધી ઘસી ગયો હતો, જેને પગલે ઘટનાસ્થળે ભારે ચકચાર મચી ગઈ હતી.
આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને પરિવારજનોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોના હોબાલા અને અવાજને કારણે ગભરાયેલો દીપડો લોહીલુહાણ હાલતમાં બાળકીને
છોડીને અંધારામાં ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી ભવ્યાને તાત્કાલિક સારવાર અર્થે નજીકના જાબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ
તેને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજન ગોવિંદ ગામજી બારીયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે અને અઠવાડિયા પહેલા પાણ દીપડાએ એક બાળક પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. છોટાઉદેપુરના નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે ટ્રેપ કેમેરા અને પાંજરા ગોઠવવાના પરિણામે ગણતરીના કલાકોમાં જ વહેલી સવારે હુમલાખોર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. મૃતક બાળકીના પરિવારજનોને સરકાર તરફથી મળવાપાત્ર વળતર વહેલી તકે ચૂકવાઈ જાય તે માટેની કાગળિયા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.