Loading Please Wait !!!
શનિવારે સાંઢિયાપુલ ખૂલશે : ડેપ્યુટી CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

 

સિટી ન્યૂઝ@ગાંધીનગર

રાજકોટ શહેર અને જામનગર તરફથી આવતા-જતા વાહનચાલકો માટે લાંબા સમયના પ્રતીક્ષાના અંતે ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે નવનિર્મિત ફોરલેન સાંઢિયા પુલની મોટાભાગની ક્ષતિઓ દૂર કરવામાં આવી છે. આજે આ કામગીરીની મુલાકાતે મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુ. કમિશનર સહિત તમામ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ મેયરે તમામ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાહેર કર્યું હતું તેમજ આજના દિવસમાં જ લોકાર્પણની તારીખ જાહેર કરવાની ખાતરી આપી છે. પ્રાપ્ત વિગત મુજબ ગત ૨૯ મેના રોજ મેયર સહિતના પદાધિકારીઓએ સાંઢિયા પુલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નવનિર્મિત બ્રિજની કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની

વ્યવસ્થા નહીં હોવા સહિતની કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી. કરોડોના ખર્ચે બનેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ટેકનિકલ - ફિનિશિંગ સ્તરની ખામીઓ જોઈને મેયર ભારે નારાજ થયા હતા અને ઘટનાસ્થળે જવાબદાર અધિકારીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. એટલું જ નહીં વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થાય નહીં તે હેતુથી તમામ

ખામીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે કડક આદેશો આપ્યા હતા. અધિકારીઓએ પદાધિકારીઓના આદેશને પગલે તમામ ખામીઓ સુધારી લીધી હોવાનો અહેવાલ આપતા આજે ફરી એકવાર મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના અધિકારી દ્વારા ઓવરબ્રિજનું ફરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયર અને મ્યુ. કમિશ્નર સહિતના તમામે

ઓવરબ્રિજ ઉપર પગપાળા ચાલીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ પાણીના નિકાલની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ તકે હવે પછીના પ્રોજેક્ટમાં પાણી નિકાલ માટે વધારે મોટી સાઈઝનાં પાઈપ લગાવવા માટે સૂચના પણ મેયરે અધિકારીઓને આપી હતી. આખા બ્રિજનું પગપાળા નિરીક્ષણ કર્યા બાદ મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, અમે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે આ બ્રિજની મુલાકાત લીધી હતી અને જે નાની-મોટી ત્રુટીઓ દેખાતી હતી તે તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ગઈકાલે જ તંત્ર દ્વારા અમને તમામ સૂચનો મુજબ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી મળતા આજે અમે ફરી RMC કમિશનર અને અન્ય પદાધિકારીઓ સાથે અહીં આવ્યા છીએ. અત્યારે મોટાભાગની કામગીરી સંતોષકારક જણાઈ રહી છે, તેથી હવે અમે તાત્કાલિક આ બ્રિજના લોકાર્પણની દિશામાં આગળ વધી રહ્યા છીએ.