Loading Please Wait !!!
બ્રાહ્મણો `ભીખ' માંગે શબ્દથી બખેડો

=> જી.કે.સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદન બાદ માફી માંગી

=> ધારાસભ્ય અનિરૂધ્ધ દવેએ કહ્યું, બ્રાહ્મણ ભીખ નહીં દાન સ્વીકારે

સિટી ન્યૂઝ@માંડવી

માંડવીના સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલા વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન બ્રહ્મચોર્યાસીના ધાર્મિક મંચ પરથી થયેલા શબ્દપ્રયોગે હવે સામાજિક અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. શાસ્ત્રી જી.કે. સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરાયેલા ભીખ શબ્દપ્રયોગ બાદ મંચ પર હાજર પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ બ્રાહ્મણ કદી ભીખ માંગતો નથી, દાન સ્વીકારે છે એવો પ્રતિભાવ આપતા સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે, ધારાસભ્ય અને સ્વામી વચ્ચે મંચ પર જ થયેલી આ શાબ્દિક ટક્કરનો વિડિયો જોતજોતામાં વાયરલ થતાં મામલો માંડવી-કચ્છની સીમા ઓળંગી દેશ-વિદેશમાં વસતા બ્રહ્મ સમાજ સુધી પહોંચી ગયો.

બ્રાહ્મણની અસ્મિતા ધાર્મિક ગૌરવ અને સંતોની જવાબદારી મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું ઘમસાણ સર્જાયું છે. એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સ્વામીના નિવેદનનું અલગ અર્થઘટન કરી બચાવ કરી રહ્યા છે, તો બીજી તરફ બ્રહ્મ સમાજના લોકો લાગણી દુભાઈ હોવાનો રોષ ઠાલવી રહ્યા છે. પરિણામે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ્સનું યુદ્ધ છેડાઈ ગયું છે.વિવાદ વકરતો જોઈ આખરે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ સોશિયલ મીડિયા મારફતે બ્રહ્મ સમાજની માફી માંગી યાચના કરી છે. સ્વામીએ જણાવ્યું કે, સંત તરીકે તેમનો આશય કોઈની લાગણી દુભાવવાનો નહોતો. 

છતાં લોકમુખે હવે એવી ચર્ચા છે કે નિશાન ચૂક માફ, પરંતુ નિશાનબાજ ખુદ નિશાન બની જાય તેવો ઘાટ સર્જાયો છે. આ સમગ્ર ઘટનાએ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી ચર્ચા સીમિત ન રાખતાં જાહેર મંચ પરથી બોલાતા શબ્દોની જવાબદારી કેટલી ગંભીર હોય છે, તે મુદ્દો પણ છંછેડ્યો છે. સમાજના સ્વાભિમાન અને સંતોના શબ્દોના અર્થઘટનને લઈને હજુ પણ સોશિયલ મીડિયા પર શબ્દોની સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ યથાવત છે.


સંતની દિલગીરી બાદ મામલો શાંત થયો

માંડવી ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઉચ્ચારાયેલા શબ્દોને લઈને ઊભા થયેલા વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાય અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક સાંજે યોજાઈ હતી. બેઠક દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સૂર્યપ્રકાશ સ્વામીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ભિક્ષા શબ્દ બોલવાનો આશય હતો, પરંતુ બોલવામાં ભીખ શબ્દ પ્રયોગ થઈ ગયો હતો.જિલ્લા બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ તાલુકા અને શહેર સ્તરના સમાજના આગેવાનો સમક્ષ સંત દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત જરૂર હોય તો હું દંડવત પ્રણામ કરવા પણ તૈયાર છું જેવા વિનમ્ર શબ્દો ઉચ્ચારતા ઉપસ્થિત સમાજના આગેવાનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. બેઠક બાદ સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું છે.