Loading Please Wait !!!
નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી

  • બોટાદ શહેરની ઘટના
  • નિર્દયતાભર્યા કૃત્ય સામે લોકોમાં ભારે રોષ

સિટી ન્યૂઝ@બોટાદ

બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં માનવતાને શરમસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી તેને સળગાવી દેવાનો નિર્દયી પ્રયાસ કરવામાં આવ્યો હતો. સળગતા કચરાના ઢગલામાંથી નવજાત શિશુ મળી આવતાં જ સમય વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સસરાટ વ્યાપી ગયો હતો.ઘટનાની વિગત મુજબ, આજે (૭ ઓગસ્ટ)ના રોજ સવારે ૮ વાગ્યાની આસપાસ કાદર શેઠની વાડી વિસ્તારમાંથી પસાર થતાં આસપાસના રહીશોને કચરાના ઢગલામાંથી અચાનક ધુમાડો અને કંઈક સળગવાની તીવ્ર ગંધ આવી હતી. જેથી સ્થાનિકોએ શંકા જતાં નજીક જઈને તપાસ કરી હતી, જ્યાં સળગતા કચરા વચ્ચે નવજાત શિશુ હોવાનું નજરે પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં સ્થાનિકોના ટોળે-ટોળાં એકઠા થઈ ગયા હતા.

ઘટના અંગે તાત્કાલિક બોટાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી ફાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પાપી કૃત્ય કોણે અને કયા કારણોસર આચર્યું છે, બાળકની માતા કે વાલી કોણ છે તે દિશામાં પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા અને સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી છે, નિર્દયતાની તમામ સરહદો વટાપનાર આ ઘટનાને લઈને બોટાદના નાગરિકોમાં ગુનેગારો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. DYSP મહર્ષિ રાવલે જણાવ્યું કે, બોટાદ ટાઉન વિસ્તારમાં કાદર શેઠની વાડી આવેલી છે, ત્યાં એક કચરાના ઢગલામાંથી જે નવજાત બાળક છે તે મળી આવ્યું છે. હાલમાં પ્રાથમિક પંચનામું કરી અને જે મૃતદેહ છે તેને ફોરેન્સિક પી એમ (પોસ્ટમોર્ટમ) માટે ખસેડવામાં આવ્યો છે અને જગ્યા પરથી ફોરેન્સિકના નમૂના પણ એકત્રિત કરવામાં આવ્યા છે. આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પી.આઈ. દ્વારા હાથ ધરવામાં આવી છે.