‘બોગસ સર્ટિફિકેટ’ કૌભાંડનો પર્દાફાશ કરનારને ભાજપ નેતાઓએ ધમકીઓ આપી
રાજકોટ મહાપાલિકામાં સફાઈ કામદારોનો ભાંડાફોડ કર્યો હતો
ભાજપના નેતાઓ જ કૌભાંડના માસ્ટરમાઇન્ડ તેઓને છાવરવા સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ગાળાગાળી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા અને તેમની જગ્યાએ નવી ભરતીના નામે ચાલી રહેલા મસમોટા ‘બોગસ સર્ટિફિકેટ’ કૌભાંડનો રાજકોટ કામદાર યુનિયન દ્વારા સનસનાટી પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં વાલ્મિકી સમાજના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મુકેશ પરમાર તથા તેમના સાગીતોની સીધી સંડોવણી ખૂલતાં સ્થાનિક રાજકારણમાં અને તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોતાના કાળાં કારસ્તાન ખુલ્લા પડી જતાં અને પગ નીચેથી જમીન સરકી જતાં હવે આ કૌભાંડી તત્વો ખુલ્લી ગુંગાગીરી પર ઉતરી આવ્યા છે.મુકેશ પરમાર જૂથના અને વોટ્સએપ દીપીમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે ફોટો રાખી રોફ જમાવતા કાર્યકર્તા વિરાટ વાઘેલા દ્વારા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાને સોશિયલ મીડિયા પર બેફામ ગાળો અને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ તમામ ધમકીઓ અને ગાળાગાળીના સ્ક્રીનશોટ્સ હાલ વાયરલ થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે આ તત્વોને કાયદાનો કોઈ જ ભોફ રહ્યો નથી અને તેઓ અવાજ ઉઠાવનારાઓને ડરાવવા માંગે છે.
‘અમે તો ખોટા સર્ટિફિકેટ પણ આપીશું’ – સત્તાधारी પક્ષના આગેવાનોની હદ વટાવતી બેશરમી
સત્તાના જોરે આ સમગ્ર કૌભાંડને વાજબી ઠેરવવાનો બેશરમ પ્રયાસ કરતા રાજકોટ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ મહામંત્રી અજય વાઘેલાએ તો તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી છે. તેમણે વાલ્મિકી સમાજના સોશિયલ મીડિયા ગ્રુપમાં ખુલ્લેઆમ પડાકાર ફેંકતા લખ્યું છે કે, “અમે સાચા કે ખોટા ગમે તેવા સર્ટિફિકેટ આપીએ, અમારે ૧૨૭ સફાઈ કામદારોને નોકરી મળે તે જોવાનું છે.” આ પ્રકારની જાહેરમાં કરાયેલી કોમેન્ટ્સ સ્પષ્ટ કરે છે કે સત્તાधारी પક્ષના ઓઠા હેઠળ આ લોકો પોતાને કાયદાથી ઉપર માની રહ્યા છે અને કોઈ તેમનું કંઈ બગાડી શકશે નહીં તેવા ધમકીમાં રાચી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજકોટ કામદાર યુનિયને આક્રમક વલણ અપનાવીને ન્યાયની ઉગ્ર માંગ કરી છે. યુનિયનની સ્પષ્ટ માંગણી છે કે ૧૨૭ સફાઈ કામદારોના રાજીનામા અને તેમની જગ્યાએ રજૂ થયેલા તમામ સર્ટિફિકેટ્સની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ ઉપરાંત, ખુલ્લેઆમ ગુંડાગીરી કરી ધમકી આપનાર વિરાટ વાઘેલા અને બોગસ સર્ટિફિકેટ કૌભાંડ આચરનારા તમામ જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી રજૂઆત યુનિયન પ્રમુખ પારસ બેડીયા દ્વારા કરવામાં આવી છે.