જામનગર ડેન્ટલ કોલેજમાં ₹.1.36 કરોડના ચેક કૌભાંડથી ખળભળાટ
રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી ૧૫ ચેક મારફતે રકમ ઉપડતા ડીનની ભૂમિકા અંગે ઉઠ્યા સવાલો
સીટી ન્યૂઝ@જામનગર
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી આશરે ૧.૩૬ કરોડની ઉચાપતના મામલે વહીવટી અને તબીબી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પ્રાથમિક તપાસમાં હંગામી કર્મચારી દ્વારા ૧૫ ચેક મારફતે રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, આ તમામ ચેક પર સહી સત્તાધિકારી તરીકે ડીન ડો. નયના ઝવેરીની સહી હોવાનું સામે આવ્યું છે. ડીન દ્વારા મીડિયા સમક્ષ જણાવાયું હતું કે ચેક રજૂ થતાં તેઓ હેડિંગની વિગતવાર ચકાસણી કર્યા વિના સહી કરતા હતા. આ નિવેદન બાદ તેમની વહીવટી જવાબદારી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
પોલીસે તપાસના ભાગરૂપે બેંકમાંથી સંબંધિત ૧૫ ચેક મેળવી તેમની સહી અને દસ્તાવેજોની ખરાઈ માટે એફએસએલ (FSL)માં મોકલ્યા છે. બીજી તરફ, સમગ્ર મામલે એક હંગામી કર્મચારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
કાનૂની વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે કોલેજના વહીવટી વડા તરીકે ડીનની જવાબદારી શું હતી અને આટલી મોટી રકમના વ્યવહારો લાંબા સમય સુધી કેવી રીતે નજરમાંથી બહાર રહ્યા. કેટલાક વર્ગો દ્વારા એ પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે કેસમાં ફરિયાદી તરીકે ડીન પોતે કેમ આગળ આવ્યા નથી.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસ તપાસની દિશા અને જવાબદારો સામે થનારી કાર્યવાહી પર પણ નજર મંડાઈ છે. વિપક્ષી અને સામાજિક વર્તુળોમાં માંગ ઊઠી રહી છે કે મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને જો કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.
હાલ તપાસ ચાલુ છે અને એફએસએલ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. આ કેસમાં જવાબદારી નક્કી કરવા અને સરકારી નાણાંની સુરક્ષા સંબંધિત પ્રશ્નો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.