Loading Please Wait !!!
બાલાજી વેફર્સની ચમક ગામોની બરબાદી

=> સિટી ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ: વિકાસ પાછળનું કડવું સત્ય; 15 ગામો પ્રદુષણથી ત્રસ્ત હજારો લોકો

=> લોકોને ચામડીના રોગની દહેશત?

=> કંપનીના નફા માટે ગામો બલી ? પ્રદુષણનો ભયાનક ખેલ ખૂલ્યો

=> રાજકોટના વિકાસની પાછળ છુપાયેલી કડવી હકીકત: 15 ગામોના હજારો લોકો કેમિકલયુક્ત પ્રદૂષણના નરકમાં જીવવા મજબૂર!

=> ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણી, તૈલીયુક્ત કચરો અને ગાંડીવેલના સામ્રાજ્યને લીધે ગામો મચ્છરોથી ઉભરાયા

=> RUDA-GPCB સૂઈ રહ્યા છે ? ગામડાં પ્રદૂષણથી તડપી રહ્યા છે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના વિકાસ અને ઉદ્યોગોની ચમક પાછળ એક કડવી હકીકત છુપાયેલી છે, જ્યાં વાજડીગઢ, વેજાગામ, વડવાજડી, ન્યારા અને ખંભાળા સહિત નદીકાંઠાના ૧૨ થી ૧૫ જેટલા ગામોના લોકો વર્ષોથી ભયાનક પ્રદૂષણનો માર સહન કરી રહ્યા છે. નદીમાં વહેતા કાળા, દુર્ગંધયુક્ત અને કેમિકલયુક્ત પાણી માટે ગ્રામજનો સીધો આક્ષેપ બાલાજી વેફર્સ સહિતના સ્થાનિક ઉદ્યોગો અને રાજકોટ શહેરના ગંદા પાણી પર લગાવી રહ્યા છે, જેના કારણે માણસો તો દૂર, પશુઓ પણ આ પાણી પીવા તૈયાર નથી. ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણી, તૈલીયુક્ત કચરો અને ગાંડીવેલના સામ્રાજ્યને લીધે ગામોમાં અસહ્ય મચ્છરોનો ઉપદ્રવ, ચામડીના ગંભીર રોગો અને પશુઓના મોતના કિસ્સાઓ સામે આવ્યા છે, એટલું જ નહીં, પ્રદૂષિત પાણીના લીધે હવે લોકોને પીવાનું પાણી પણ ખરીદીને લાવવા મજબૂર થવું પડ્યું છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગાંડીવેલમાં આશરો લેતા અજગર જેવા જંગલી જાનવરો હવે માલધારીઓના પશુઓ પર પણ હુમલા કરી રહ્યા છે, પરંતુ સ્થાનિકો અને સરપંચના આક્રોશ છતાં જવાબદાર તંત્ર એટલે કે RUDA અને GPCB ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે એક તરફ પર્યાવરણ અને સ્વચ્છતાના મોટા દાવાઓ કરતી સરકાર આ ગામડાઓની વેદના સાંભળી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે ક્યારે કડક પગલાં ભરે છે.