લાંચ લેતા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ASIને ACBએ રંગેહાથ ઝડપ્યો
દારૂનો ધંધો ફરી શરૂ કરવા દબામ કરી કેસ નહીં કરવા 10,000ની લાંચ માગી હતી, 5,000 લેતા ઓળીયા ગામની સીમમાંથી ઝડપાયા
સિટી ન્યૂઝ @ધરમશ મહેતા-સાવરકુંડલા
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં લાંચ લેતા પોલીસ કર્મચારીને અરેલી ACBની ટીમે રંગેહાથ ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI શ્યામ બગડાને ૫,૦૦૦ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, ફરિયાદી અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા, પરંતુ હાલમાં આ ધંધો સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. તેમ છતાં ASI શ્યામ બગડા દ્વારા ફરિયાદી પર ફરીથી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ACB સમક્ષ કરવામાં આવી હતી. ધંધો શરૂ નહીં કરે તો ખોટા કેસ કરવાની ધમકી આપવામાં પણ ફરિયાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આરોપી ASI દ્વારા દારૂનો ધંધો ફરી શરૂ કરવા અને કેસ નહીં કરવા બદલ ફરિયાદી પાસે ૧૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી. જોકે રકઝક બાદ ૫,૦૦૦માં મામલો નક્કી થયો હતો. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACBના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અમરેલી ACB પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે અમરેલી ACBની ટીમે તત્કાલિક ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન સાવરકુંડલા ઓળીયા ગામની સીમમાં ASI શ્યામ બગડા ફરિયાદી પાસેથી ૫,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા ACB ટીમના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ACB દ્વારા લાંચની રકમ રિફવર કરી આરોપી ASI વિરૂદ્ધ કાયદાનો દુરુપયોગ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ટ્રેપની કામગીરી અમરેલીના ઇન્ચાર્જ PI ટી.એસ. રિઝવી તથા ACB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.