અમરેલીમાં ભાઈએ જ ભાઈની હથિયારના ઘા ઝીંકી હત્યા કરી
પોલીસે હત્યારો ભાઈ ગુનો આચરીને નાસી છૂટે તે પહેલા જ ધરપકડ કરાઈ
સીટી ન્યૂઝ@ધર્મેશ મહેતા, રાજુલા
અમરેલી શહેરમાંથી એક રાત્રીએ હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સામાન્ય બાબતે લોહીના સંબંધોને કલંકિત કર્યા છે. અમરેલી એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક સગા ભાઈએ જ પોતાના જ ભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો મુજબ, એસટી બસ સ્ટેન્ડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા મનોજ વણોદિયા નામના યુવક પર તેના જ સગા ભાઈએ અચાનક તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. આરોપીએ મનોજ પર તીક્ષ્ણ હથિયાર ઘા ઝીંકી દેતા મનોજ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટના પગલે ખળભળાટ મચ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ અમરેલી સીટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ જસકી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યાએ ભાઈ ગુનો આચરીને નાસી છૂટે તે પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. સગા ભાઈએ જ ભાઈની હત્યા કેમ કરી તેનું સત્તાવાર કારણ હજુ સુધી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. હત્યા પાછળ ઘરગથ્થુ કંકાસ, પૈસાની લેતીદેતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.