અંબાલાલ પટેલે કહ્યું ગુજરાતમાં 3થી 10 સપ્ટેમ્બર વરસાદની આગાહી
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય પર એકસાથે લો-પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને ઉપરી વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
જણીતી હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઓગસ્ટના અંતિમ દિવસોથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના છે.
ખાસ કરીને ૩થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૧થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ, મધ્ય ગુજરાતમાં સારા વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં બનતી નવી હવામાન સિસ્ટમથી ગુજરાતના વરસાદ પર અસર કરી શકે છે. ૧૨ સપ્ટેમ્બર આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભાદરવા મહિનામાં પણ લો-પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. જોકે, હવામાનની સ્થિતિમાં સતત ફેરફાર શક્ય હોવાથી વરસાદની તીવ્રતા અને વિસ્તાર અંગે સ્થાનિક હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર નજર રાખવી જરૂરી છે.