Loading Please Wait !!!
બ્રાહ્મણોના અપમાન મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સૂર્ય પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ

=> રાજકોટથી ભૂદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદીની આકરી ચીમકી: જે મંચ પરથી બફાટ કર્યો ત્યાંથી જ માફી માંગે

સિટી ન્યૂઝ@રાજકોટ

કચ્છમાં યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૂર્ય પ્રકાશ દ્વારા બ્રાહ્મણ સમાજ વિશે કરવામાં આવેલી અત્યંત નિમ્ન કક્ષાની અને અપમાનજનક ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ અને આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જાહેર મંચ પરથી કરાયેલા આ બફાટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સામાજિક અને રાજકીય વર્તુળોમાં સૂર્ય પ્રકાશ સામે ફિટકાર વરસી રહ્યો છે. આ વિવાદમાં રાજકોટની ભૂદેવ સેવા સમિતિના સ્થાપક અને યુવા આગેવાન તેજસ ત્રિવેદીએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેજસ ત્રિવેદીએ કડક શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઘનશ્યામ પાંડે જેવા બ્રાહ્મણના નામે રોટલા ખાનારા અને સંપ્રદાય ચલાવનારા આવા લોકો હવે સનાતન ધર્મના મૂળ સમાન બ્રાહ્મણોનું જ ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છે.

કોઈપણ ધર્મ કે સમાજ વિશે આવી અભદ્ર ભાષા ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. સંતોનું કામ સમાજમાં શાંતિ અને સૌહાર્દ જાળવવાનું હોય છે, નહીં કે સમાજના ભાગલા પાડી ઝેર ઓકવાનું. સમગ્ર બ્રહ્મસમાજ વતી તેજસ ત્રિવેદીએ સૂર્ય પ્રકાશને ૨૪ કલાકનું આકરું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે, સૂર્ય પ્રકાશે જે મંચ પરથી બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું છે, તે જ મંચ પરથી આગામી ૨૪ કલાકની અંદર જાહેરમાં માફી માંગવી પડશે. જો સમયમર્યાદામાં માફી માંગવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ભૂદેવો વડતાલ તરફ કૂચ કરશે. ત્યારબાદ આવા લોકોને સનાતન ધર્મના અને બ્રાહ્મણોના નિત્ય પાઠ કેવી રીતે ભણાવવા તે બ્રહ્મસમાજ સારી રીતે જાણે છે.