8 વર્ષ પૂર્વે આજીમાંથી મળેલા ધડ વગરના માથાનો ભેદ ઉકેલાયો
-
ઠેકેદાર અજીત મુલાનો રાજકોટ જેલમાંથી કબજો લઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે
-
બાળકના શરીરના અન્ય ભાગ ક્યાં ક્યાં સ્થળે કેવી રીતે નિકાલ કર્યો તે અંગે પણ વિશેષ પૂછપરછ થશે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
રાજકોટ શહેર પોલીસ ચોપડે નોંધાયેલી સૌથી પેચીદી અને હૈયું કંપાવનારી ગુનાહિત ઘટનાઓ પૈકીની એક એવી ‘ધડ વગરના માથા’ની મિસ્ટ્રી આખરે ૮ વર્ષ બાદ ઉકેલાઈ ગઈ છે. ૮ વર્ષ પૂર્વે ડિસેમ્બર, ૨૦૧૮માં આજી નદીના પટમાંથી એક માસૂમ બાળકનું ધડથી કાપેલું માથું મળી આવ્યું હતું. આ ગુનામાં પશ્ચિમ બંગાળના એક શખ્સની સંડોવણી ખૂલી છે. એક પરિવારના DNA સેમ્પલનો ગાંધીનગર ફોરેન્સિક લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા આરોપી અજીતમુલા અજીમતમુલાનો જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે એક વર્ષ પહેલાં ૭ જૂન, ૨૦૨૫ના રોજ રાજકોટ પોલીસે પશ્ચિમ બંગાળના એક ક્રૂર ઠેકેદાર અજીતમુલા અજીમતમુલાને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી ૨૧ જેટલા બાળકોને મુક્ત કરાવ્યા હતા. તે સમયે પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, અજીતમુલા પશ્ચિમ બંગાળથી ગરીબ માતા-પિતાને માસિક ૮,૦૦૦નું વેતન આપવાની લાલચ આપી બાળકોને રાજકોટ લાવતો હતો. જો કોઈ બાળક કામ કરવાની ના પાડે કે સામે જવાબ આપે, તો તે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો.
તપાસ દરમિયાન એસીપી ક્રાઈમ ભરત બસિયાને તેના અમાનુષી કૃત્ય અંગે શંકા જતા અગાઉ ધડ વગરના મળેલ માથા અંગે પૂછપરછ કરતા પોતે આવા એક બનાવને પણ અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પરંતુ આ પછી હત્યાની કોશિશના ગુનામાં બંગાળ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ દરમિયાન બંગાળ પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ શરૂ કરી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી ત્યારે પણ ઠેકેદાર અજીતમુલા અજીમતમુલાએ બિનોદ હાસદા અને પૂર્ણિમા હાસદાના પુત્રને પરત ન કર્યા હોવાનું જણાયું હતું.
રાજકોટ પોલીસે બિનોદ હાસદા અને પૂર્ણિમા બિનોદભાઈ હાસદાને પશ્ચિમ બંગાળથી ગુજરાત બોલાવી DNA સેમ્પલ મેળવી ૮ વર્ષ પહેલા મળેલા DNA સાથે મેચ કરવા ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ ૧૦ જૂને પોઝિટિવ આવતા રાજકોટ પોલીસ દ્વારા ફરી ઠેકેદાર અજીતમુલા અજીમતમુલાને રાજકોટ જેલમાંથી કબજો મેળવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બાળકના શરીરના અન્ય ભાગ ક્યાં ક્યાં સ્થળે કેવી રીતે નિકાલ કર્યો તે અંગે પણ વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવશે.