ઓવરટેક કરવા જેવી બાબતે પાંચ યુવાનો પર છરીથી ખુની હુમલો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના કાગદડી ગામે ઓવરટેક કરવા જેવી બાબતે પિતા પુત્ર સહીત 5 વ્યકિતઓ ઉપર છરી, ધોકા વડે ખુની હુમલો થતા તેમને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે કુવાડવા રોડ પોલીસે 8 શખ્સો સામે હત્યાની કોશિષ, રાયોટીંગ સહિતનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વાછકપર બેડી ગામે રહેતા રાહુલ ઘેલાભાઈ હાથઘેડા, હરેશ નાગજીભાઈ હાથઘેડા, વિશાલભાઈ કમલેશભાઈ હાથઘેડા, અક્ષય મોતીભાઇ હાથઘેડા અને ભગવાનજી ઘેલાભાઈ હાથઘેડા સહિતના પિતરાઈ ભાઇઓ રાત્રીના કાગદડીના પાટીયા પાસે હતા તે દરમ્યાન તેમના જ ગામમાં રહેતો અજય, મુનો, સુરેશ અને તેની સાથેના માણસોએ ધસી આવી ઝઘડો કરી છરી અને પાઇપ વડે હુમલો કરી નાશી છુટતા ઘવાયેલા પાંચેય પિતરાઈ ભાઈઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા જ કુવાડવા પોલીસ મથકના પીઆઈ વસાવા સહિતના સ્ટાફે હોસ્પિટલ દોડી જઈ તપાસ કરતા રાહુલ અને ભગવાનજી બંને ભાઈઓ પિતરાઈ ભાઈઓ સાથે કાગદડીના પાટીયા પાસે ગયા હતા તે દરમ્યાન ઓવરટેક કરવા બાબતે ઝઘડો ચાલતો હોય જેનો ખાર રાખી ધસી આવેલા શખ્સોએ ખુની હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા દોડધામ શરુ કરી છે.
બેવડી હત્યાના સૂટધાર જીણા ભગતના ઘરેથી સેલફોસ કબજે
વરલી-મટકાના ધંધાર્થી જીણા ભગત ઉર્ફે જીણા વિઠ્ઠલ ગોહેલના ઘરમાં પોલીસે ડિસ્કવરી પંચનામું કરી હત્યામાં વપરાયેલો ઘઉંમાં નાખવાનો ઘાતક સેલફોસ પાઉડર કબજે કર્યો છે આજે જીણા ભગતના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવશે. જોકે, આ દરમિયાન એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, જીણા ભગતે ભૂતકાળમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે! 2018માં એક મારવાડી આધેડનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. જોકે તે સમયે પીએમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટએટેક આવ્યું હોવાથી મામલો દબાઈ ગયો હતો આ સિવાય ભૂતકાળમાં 3 ભરવાડ યુવાનના પણ રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા. આ તમામ કેસોમાં જીણા ભગતે જ અદાવતમાં દેશી દારૂમાં ઝેરી પાઉડર ભેળવી દીધો હોવાની થિયરીએ પોલીસને તપાસ કરવા મજબુર કરી છે.સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જીણા ભગત જે ઘઉં સાચવવાના સેલફોસ પાઉડરનો ઉપયોગ કરતો હતો, તે અત્યંત ઝેરી કેમિકલ છે. તેને દેશી દારૂ જેવા તીવ્ર કેફી પ્રવાહીમાં ભેળવવામાં આવે ત્યારે શરીરમાં જતાની સાથે જ તે મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર કરે છે. ઘણીવાર પ્રાથમિક તબીબી તપાસમાં આ લક્ષણો હાર્ટએટેક જેવા દેખાતા હોવાથી બૂટલેગર જીણા ભગતે ભૂતકાળમાં પણ આ જ સાઇલન્ટ કિલર મોડસ ઓપરેન્ડીનો આશરો લઈ પોલીસને થાપ આપી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.