Loading Please Wait !!!
વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારત નંબર-1, પરંતુ ગુજરાત ટોપ-3 માં નહીં

  • વિશ્વ દૂધ દિવસ પર જાહેર થયા આંકડા, વાર્ષિક 247 મિલિયન ટન સાથે દેશે ઇતિહાસ રચ્યો
  • છેલ્લા એક દાયકામાં મિલ્ક પ્રોડક્શન 69 ટકા વધ્યું, માથાદીઠ ઉપલબ્ધતા પણ 485 ગ્રામ થઈ
  • વાર્ષિક 19 મિલિયન ટન ઉત્પાદન સાથે રાજ્ય ચોથા ક્રમે, રાષ્ટ્રીય સરેરાશ કરતાં માથાદીઠ દૂધ વધુ

સિટી ન્યુઝ @ ગાંધીનગર 

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનને 'વિશ્વ દૂધ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આ વૈશ્વિક અવસરે જાહેર થયેલા નવા રિપોર્ટ અનુસાર, ભારત દેશ વર્ષ 1998 થી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ ક્રમે રહ્યો છે. આજે ભારત વાર્ષિક 247 મિલિયન ટન જેટલા દૂધના પ્રચંડ ઉત્પાદન સાથે વૈશ્વિક માર્કેટમાં એકલા હાથે 25 % જેટલો સિંહફાળો ધરાવે છે. છેલ્લા એક જ દાયકામાં દેશના કુલ દૂધ ઉત્પાદનમાં 69 % જેટલો અભૂતોપૂર્વ વધારો નોંધાયો છે, જે રાષ્ટ્રીય GDP માં 5 % ફાળો આપે છે.

જોકે, આશ્ચર્યની વાત એ છે કે શ્વેત ક્રાંતિની ઐતિહાસિક ભૂમિ ગણાતું ગુજરાત રાજ્ય દેશના ટોપ-3 ઉત્પાદક રાજ્યોમાં સ્થાન મેળવી શક્યું નથી અને હાલ ચોથા ક્રમે છે. તેમ છતાં ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ હિસ્સામાં 7.78 % જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડબ્રેક વધારો થયો છે. ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા એક દાયકામાં 48 % વધીને આજે 730 ગ્રામ પ્રતિ દિન થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ 485 ગ્રામ પ્રતિ દિન કરતાં ઘણી વધારે છે.

દૂધ ઉત્પાદનમાં આ પ્રચંડ વૃદ્ધિ જાળવી રાખવા માટે પશુઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અને સંવર્ધન અત્યંત અનિવાર્ય છે. ગુજરાત સરકારે પોતાની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પૂરું પાડવા માટે 1,137 પશુ દવાખાના અને 587 ફરતા પશુ દવાખાના કાર્યરત કર્યા છે. આ ઉપરાંત, પશુપાલકોને આધુનિક ટેકનોલોજીનો લાભ આપવા માટે ફેબ્રુઆરી 2026 માં ‘અમૂલ AI’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ અનોખી પહેલ અંતર્ગત ડિજિટલ માર્ગદર્શક ‘સરલાબેન’ AI સહાયક તરીકે કાર્યરત છે, જે રાજ્યના 36 લાખથી વધુ ખેડૂત-દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય અને સરકારી યોજનાઓ વિશે આંગળીના ટેરવે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડે છે.

આધુનિક ડેરી પ્રોજેક્ટ્સ માટે રાજ્યમાં કરોડોનું આર્થિક ભંડોળ મંજૂર

નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ દ્વારા છેલ્લા 5 વર્ષમાં ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ માટે 239.73 કરોડ રૂપિયાની સહાય ફાળવવામાં આવી છે. આ સિવાય એનીમલ હસબન્ડરી ફંડ હેઠળ વિવિધ સહકારી સંઘો અને ખાનગી ડેરીઓના 3,425.57 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સામે વ્યાજ સહાય મંજૂર કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પછાત વિસ્તારોના જૂનાગઢ, જામનગર અને મોરબી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોના વિકાસ માટે પણ 3 વર્ષમાં 23.09 કરોડની રકમ અપાઈ છે.