Loading Please Wait !!!
વિછિયાના ઓરી ગામે કળિયુગી પુત્ર સહીત ચાર શખ્સોનો પ્રૌઢ પર લાકડીથી હુમલો

=> પિતાએ કહ્યું ``તમે ખાવા-પીવાના પ્રોગ્રામ તો નથી કરતાને'' તો તૂટી પડ્યા 

=>ખેડૂત પ્રૌઢનો પગ ભાંગી નાખ્યો : પુત્ર સહીત 4 સામે શખ્સો સામે પોલીસ ફરિયાદ 

સિટી ન્યૂઝ@વિંછિયા

વિંછિયાના ઓરી ગામની સીમમાં પ્રૌઢ ખેડૂતે તું અને તારા મિત્રો ખાવા-પીવાનો પ્રોગ્રામ તો નથી કરતા ને તેમ પુછતા ઉશ્કેરાયેલા પુત્ર અને કૌટુંબીક ભાઈ સહીત ચાર શખ્સોએ ખેડૂત આધેડને લાકડી વડે આડેધડ માર મારી પગ ભાંગી નાખતા વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.  

બનાવ અંગે વિંછિયાના ઓરી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા 50 વર્ષીય પ્રૌઢ ખેડુત ચતુરભાઈ મનજીભાઈ વાલાણીએ આરોપી તરીકે પુત્ર મહેશ ઉર્ફે કલી ચતુર વાલાણી, તેનો મિત્ર લાલજી ગોરધન વાલાણી, બિટ્ટુ બુધા સરવૈયા અને સંજય ઉર્ફે સચિન ઓધા શિયાળનું નામ આપી જણાવ્યું હતુ કે, ગઈકાલે બપોરના પોણા ત્રણ વાગ્યે બાઈક લઈ વાડીએ ગુવાર વાવ્યું હોય તેને પાણી પાવા અર્થે ગયેલ હતો. વાડી ખાતે જઈ  જોતા વાડીમાં બનાવેલ ઝુપડી પાસે ચારેય હાજર હતાં ત્યારે પુત્રએ કહ્યું કે, તારે આ વાડીએ આવવાનો ટાઈમ છે, જેથી તેને કહેલ કે, આ મારી વાડી છે, હું ગુવારને પાણી પાવા આવેલ છું, તમે બધા મિત્રો વાડીએ ભેગા થઈ ખાવા-પીવાનો પ્રોગ્રામ કરતા નથી ને તેમ કહેતા કૌટુંબીક ભાઈ લાલજી ગાળો આપવા લાગેલ અને ચારેય શખ્સો લાકડી વડે માર મારવા લાગેલ હતા.

જેથી તેઓ નીચે પડી ગયેલ હતાં ત્યાર બાદ ચારેયે આડેધડ લાકડી વડે માર માર્યો હતો. બાદમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને બાઈકમાં બેસાડી મારા ઘરે પહોંચાડ્યો હતો. બેભાન અવસ્થામાં આધેડ ઘરે પહોંચતા તેના પત્ની અન્ય પુત્ર મહિપત સહિતનાએ તેમને સારવાર અર્થે વિછિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. જ્યાં તબીબે આધેડને ડાબા પગે ફ્રેક્ચર થયાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે હોસ્પિટલના બિછાને ફરિયાદ આપતા વિંછિયા પોલીસે કપાતર પુત્ર અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.