વાણીયાવવાડી, ભક્તિનગર સોસાયટી, કેવડાવાડીના બગીચા બન્યા ડમ્પિંગ યાર્ડ
=> બગીચાઓને નર્કગાર કરનારા સામે કાર્યવાહી ક્યારે ? લોક સંસદ વિચાર મંચની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે વોર્ડ નંબર ૧૪માં આવેલા બગીચાઓમાં ગંદકીના ગંજ ખડકાતા ડમ્પિંગ યાર્ડ જેવા બની ગયા છે. સામાન્ય કચરો ફેંકનાર વેપારીઓ અને જાહેરમાં ગંદકી ફેલાવનાર લોકોને દંડતું તંત્ર બગીચાઓને નર્કગાર કરનાર લોકો સામે કાર્યવાહી કરે તેવી લોક સંસદ વિચાર મંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર સિટીઝન નાગાજુભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, બીજલભાઈ ચાવડીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ શહેરને બેનમૂન શહેર અને હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની ગુલબાંગો ફેંકનારા અને ભારતના ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની અધિકારીઓ પદાધિકારીઓની ગુલબાંગો વચ્ચે વોર્ડ નંબર ૧૪ ના બગીચાઓ બન્યા નર્કાગાર અને જાહેર બગીચાઓના બદલે ડમ્પિંગ યાર્ડ હોય તેવો આભાસ થાય છે. રાજકોટ શહેર વોર્ડ નંબર ૧૪ ના બગીચાઓ જેમાં વાણીયાવાડી નો બગીચો (રવિશંકર મહારાજ જાહેર ઉદ્યાન), ૮૦ ફૂટ રોડ, શેઠ હાઇસ્કૂલની સામે તથા ભક્તિનગર સોસાયટી શેરી નંબર ૫ માં પોસ્ટ ઓફિસ તરફ આવેલ ભક્તિનગર સોસાયટીનો બગીચો અને કેવડાવાડી મેઇન રોડના ખૂણે આવેલ પવનપુત્ર ચોકનો બગીચાઓમાં નિયમિત સફાઈના અભાવના પગલે તમામ બગીચાઓ ઉકરડાઓ બન્યા છે.
ગંદકી, એઠવાડ, બિનજરૂરી પાંદડાઓ અને ડાળીઓ અને કચરો ખૂણામાં ઠલવાતા ડુંગર જેવડા ગંજ ખડકાયા છે. આ જાહેર બગીચાઓમાં હાલ ઉનાળાની સિઝન હોય સાંજના સમયે અને રાત્રે વેકેશનને પગલે બાળકોની અને વાલીઓ સાથે બાલક્રિડાંગણોમાં ભીડ હોય છે ત્યારે બાળકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય તે પ્રકારે કચરાના ગંજ ખડકાયા છે.
આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા બગીચાઓમાંથી કચરો ઉપાડવામાં આવ્યો નથી, આ ઉપરાંત વોર્ડ નંબર ૧૪ ના નવનિયુક્ત કોર્પોરેટરો કેતનભાઈ પટેલ, ચંદાબેન માનસુરભાઈ વાળા, અરૂણાબેન આડેસરાને ફોટાઓ સાથે વોટ્સએપ થી રજૂઆત કરવામાં આવી છે. બગીચામાં ગંદકી યથાવત રહી છે, ત્યારે બગીચામાં સફાઈ નહીં કરનાર તથા બગીચાને નર્કાગાર કરનાર લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે ? તે પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.