વલભીપુરના મોણપર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના શુદ્ધ પાણીના ફાંફા
» ખારું પાણી પીવા મજબૂર બનેલા ગ્રામજનોમાં રોગચાળો વકર્યો: મેડિસન લેવા માટે પણ શુદ્ધ પાણી નથી
» 4500ની વસ્તી સામે પુરવઠો ઓછો, ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ આપી હિજરતની ચીમકી
સિટી ન્યૂઝ@વલભીપુર
વલભીપુર તાલુકાના મોણપર ગામમાં પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યાને કારણે સ્થાનિક સ્તરે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. ગામમાં છેલ્લા ૩ મહિનાથી પીવાનું પાણી ન મળવાને કારણે સ્થાનિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નાછૂટકે ખારું પાણી પીવાના કારણે ગામમાં ઝાડા-ઉલટી જેવા રોગો ફેલાયા છે અને રોગચાળો વકર્યો છે. આઘાતજનક બાબત એ છે કે બીમાર લોકોને દવા લેવા માટે પણ શુદ્ધ પાણી નસીબ થઈ રહ્યું નથી.
મોણપર ગામની અંદાજે ૪૫૦૦ની વસ્તી સામે દૈનિક દોઢ લાખ લીટર પાણીની જરૂરિયાત છે, જેની સામે તંત્ર દ્વારા માત્ર ૧ લાખ લીટર પાણી જ ફાળવવામાં આવે છે. આ અપૂરતો જથ્થો ગામની તરસ છિપાવવામાં નિષ્ફળ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કાગળ પર "પૂરતો જથ્થો આપીએ છીએ" તેવા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. તંત્રની આ ઉદાસીન કામગીરી સામે ગામલોકોની ધીરજનો અંત આવતાં મહિલાઓએ પાણી પુરવઠા કચેરીએ જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા પર ચક્કાજામ સર્જ્યો હતો. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યા હલ નહીં થાય તો તેઓ ગામ છોડીને હિજરત કરવા મજબૂર બનશે.
મામલતદારની સૂચના બાદ ત્વરિત અને કાયમી ઉકેલની અપેક્ષા
આ મામલો વધુ ગરમાતાં વહીવટી સ્તરે હલચલ જોવા મળી છે. મામલતદાર કે. જી. પરમારે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપીને ઝડપથી નિરાકરણ લાવવા તાકીદ કરી છે. જો કે, ગ્રામજનોની માંગ છે કે માત્ર સૂચનાઓ આપવાને બદલે તાત્કાલિક ધોરણે ટેન્ડર અથવા વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે. વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે છેવાડાના ગામડાના માણસને નિયમિત અને ચોખ્ખું પાણી મળે તે માટે કાયમી પાઈપલાઈન કે જથ્થો વધારવાનો નક્કર ઉપાય જ અત્યારે અનિવાર્ય બન્યો છે.