Loading Please Wait !!!
વડોદરા વોર્ડ-4 ગ્રાઉન્ડ રિપોર્ટ: મેયરના વોર્ડમાં જ વિકાસ વેન્ટિલેટર પર! ગંદકી, ગટર અને મચ્છરોના ત્રાસથી જનતા ત્રાહિમામ

  • "મંદિરનો વિકાસ થયો પણ અમારો શું વાંક?" - ખોડિયારનગર અને સ્લમ વિસ્તારોમાં પાણી માટે વલખાં મારતા સ્થાનિકો
  • ખોદાયેલા રસ્તા અને ઉભરાતી ગટરો વચ્ચે પરીક્ષા આપતા બાળકો - વોર્ડ-4 ના મતદારોમાં ભારોભાર નારાજગી
  • કોંગ્રેસે કહ્યું- "નેતાઓ ખિસ્સા ભરે છે", ભાજપનો બચાવ- "અમે કાયમી ઉકેલ માટે કામ કરી રહ્યા છીએ"

 

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર 4 માં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. આ એ જ વોર્ડ છે જ્યાંથી શહેરના મેયર પિન્કીબેન સોની આવે છે. અહીં ટાટા અને એરબસના વિમાન બનવાના છે, પરંતુ સ્થાનિકોના નસીબમાં હજુ પણ ગટરના ગંદા પાણી અને ખાડાવાળા રસ્તા જ લખાયેલા હોય તેવું લાગે છે.

"મંદિર જોયું પણ ગટર ન જોઈ?" ખોડિયારનગરના રહેવાસીઓ કહે છે કે મંદિરની રોનક વધી છે પણ અમારી ગલીઓમાં નર્ક જેવી સ્થિતિ છે. ડ્રેનેજની લાઈનો નાખવા માટે મહિનાઓથી રસ્તા ખોદીને મુકી દેવાયા છે. ગંદા પાણી અને કચરાના ઢગલાને કારણે મચ્છરોનો એટલો ત્રાસ છે કે સાંજે ઘરમાં બેસવું મુશ્કેલ છે.

ચૂંટણી બહિષ્કારની ચીમકી સ્લમ વિસ્તારોમાં રહેતા શ્રમજીવીઓ અને મધ્યમ વર્ગના લોકોમાં ભારે ગુસ્સો છે. લોકોનું કહેવું છે કે, "ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ હાથ જોડીને આવે છે, બાકીના ચાર વર્ષ તેમને કોઈ ઓળખતું પણ નથી." અનેક સોસાયટીઓએ તો હવે 'સુવિધા નહીં તો વોટ નહીં' ના બોર્ડ મારવાની તૈયારી કરી લીધી છે. જો તંત્ર અને મેયર વહેલી તકે આ પાયાની સમસ્યાઓ નહીં ઉકેલે, તો આગામી ચૂંટણીમાં ભાજપ માટે આ ગઢ જાળવવો મુશ્કેલ બની શકે છે.